13 February, 2024 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે.એલ રાહુલ
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ ૧-૧થી બરાબર છે. સિરીઝની ત્રીજી મૅચ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થશે. ત્રીજી ટેસ્ટની તૈયારી માટે બન્ને ટીમ ૧૨ ફેબ્રુઆરીએ રાજકોટ પહોંચી ગઈ છે. બીજી અને ત્રીજી ટેસ્ટમાં ૧૦ દિવસનો વિરામ હતો. એ દરમ્યાન ઇંગ્લૅન્ડની ટીમ અબુ ધાબી ગઈ હતી, જ્યારે ભારતીય ખેલાડીઓએ ઘરે જઈને આરામ કર્યો હતો. જોકે હવે ખેલાડીઓએ ત્રીજી ટેસ્ટ માટે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. સ્ટાર સ્પિનર જૅક લીચની ગેરહાજરીને કારણે ઇંગ્લૅન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરતાં ઇંગ્લૅન્ડે લીચના સ્થાને કોઈ જાહેરાત કરી નથી. બીજી તરફ ત્રીજી ટેસ્ટમાં ગુજ્જુ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ઈજા બાદ ફરી વાપસી થશે, જ્યારે કેએલ રાહુલે મેદાન પર વાપસી માટે હજી રાહ જોવી પડશે. તેના સ્થાને દેવદત્ત પડિક્કલને સ્થાન મળ્યું છે.
ઇંગ્લૅન્ડનો ટેસ્ટ કૅપ્ટન બેન સ્ટોક્સ રાજકોટ ટેસ્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે. આ સિદ્ધિ હાંસલ કર્યા પછી બેન સ્ટોક્સ સચિન તેન્ડુલકર, રિકી પૉન્ટિંગ અને વિરાટ કોહલી જેવા ક્રિકેટરોની એક વિશિષ્ટ ક્લબમાં જોડાશે. સ્ટોક્સ ઇંગ્લૅન્ડ માટે ૧૦૦ ટેસ્ટ મૅચ રમવાથી એક ટેસ્ટ મૅચ દૂર છે. ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ તેની કારકિર્દીની ૧૧૦મી ટેસ્ટ હશે. જો સ્ટોક્સ રાજકોટમાં રમે છે તો તે ટેસ્ટ ઇતિહાસમાં ઓછામાં ઓછી ૧૦૦ ટેસ્ટ કૅપ સાથે ૭૪મો ટેસ્ટ ક્રિકેટર બનશે અને આ સિદ્ધિ હાંસલ કરનાર ઇંગ્લૅન્ડનો ૧૬મો ક્રિકેટર બનશે.
સ્ટુઅર્ટ બ્રૉડે શું બોલ્યો?
ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે વિરાટ કોહલી ન રમવા વિશે મોટી વાત કહી છે. બ્રૉડે કહ્યું કે આ ટેસ્ટ સિરીઝ માટે શરમજનક છે કે આપણે વિરાટ કોહલીને સિરીઝમાં મિસ કરી રહ્યા છીએ. અંગત કારણસર વિરાટ કોહલી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણીમાં રમવાનો નથી.
ડેબ્યુ કરી શકે છે ધ્રુવ જુરેલ
ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં કેએસ ભરતના સ્થાને ધ્રુવ જુરેલને તક આપવામાં આવી શકે છે. કેએસ ભરત સતત ફ્લૉપ જવાને કારણે જુરેલ માટે ડેબ્યુનો રસ્તો સરળ બની ગયો છે. ધ્રુવ જુરેલે અત્યાર સુધી ૧૫ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૪૭ની ઍવરેજથી ૭૯૦ રન બનાવ્યા છે. એ દરમ્યાન તેણે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે.
પિચ કોને સપોર્ટ કરશે?
બીસીસીઆઇના અધિકારીએ રાજકોટની પિચ વિશે જણાવ્યું કે ‘રાજકોટની પિચ ટેસ્ટ મૅચ માટે ઉત્તમ વિકેટ સાબિત થવાની છે. જેમ-જેમ મૅચ આગળ વધશે એમ સ્પિનરો પિચ પર પ્રભુત્વ મેળવશે. પિચથી કોઈ નિરાશ નહીં થાય, પરંતુ પિચ પર સ્પિનરોને થોડી વધુ મદદ મળશે.’
બીસીસીઆઇના અધિકારીઓએ ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે રાજકોટ ટેસ્ટ માટે કે. એલ. રાહુલ હજી સંપૂર્ણપણે ફિટ નથી. એનસીએમાં ચાલી રહેલી ઈજાની સારવાર બાદ પણ પોતાનો ૧૦૦ ટકા પર્ફોર્મન્સ નહીં આપી શકવાને કારણે કે. એલ. રાહુલ રાજકોટ ટેસ્ટમાં નહીં રમી શકે. ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મૅચમાં તેને જાંઘમાં દુખાવો શરૂ થયો હતો. ઈજાને કારણે તે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો અને હવે ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ મૅચ પણ તે ગુમાવશે. બોર્ડે ટીમમાં તેના સ્થાને દેવદત્ત પડિક્કલને સ્થાન આપ્યું છે.
પડિક્કલનો હવે ટેસ્ટ ડેબ્યુ?
કર્ણાટકના દેવદત્ત પડિક્કલને ભારતીય ટેસ્ટ ટીમમાં ડેબ્યુની તક મળી શકે છે. પડિક્કલલ ભારત માટે ટી૨૦ ક્રિકેટ રમી ચૂક્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પડિક્કલે ૩૧ મૅચમાં ૧૨ અડધી સદી અને ૬ સદી સાથે ૨૨૨૭ રન કર્યા છે. હાલ ચાલી રહેલી રણજી ટ્રોફીમાં તેણે ૯૩ની ઍવરેજથી ૫૫૬ રન કર્યા છે.