જાડેજા અને રાહુલ બીજી ટેસ્ટમાંથી આઉટ

30 January, 2024 07:26 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

રવીન્દ્ર જાડેજાને હેમસ્ટ્રિંગ ઈજા પહોંચી છે, તો સરફરાઝ ખાન સાથે સૌરભ કુમાર અને વૉશિંગ્ટન સુંદરને મળી તક

રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ

મુંબઈ : ભારતના નંબર-વન સ્પિન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને બૅટર કે. એલ. રાહુલ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ મૅચમાંથી બહાર થઈ ગયા છે. રવીન્દ્ર જાડેજાને હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ચોથા દિવસે ઈજા પહોંચી હતી. તેને રન દોડતી વખતે હમસ્ટ્રિંગ ઈજા પહોંચી હતી, તો કે. એલ. રાહુલને ક્વાડ્રિસેપ્સમાં ઈજા પહોંચી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આપેલા એક નિવેદનમાં કહ્યું કે ‘હૈદરાબાદમાં પહેલી ટેસ્ટમાં ચોથા દિવસે રવીન્દ્ર જાડેજાને હેમસ્ટ્રિંગ ઈજા પહોંચી હતી. જ્યારે બીજી તરફ કે. એલ. રાહુલે તેના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. મેડિકલ ટીમ બન્ને પર નજર રાખી રહી છે.’

રવીન્દ્ર જાડેજા અને કે. એલ. રાહુલ બહાર થવાથી ત્રણ ખેલાડીઓની કિસ્મત ચમકી ગઈ છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સરફરાઝ ખાન સાથે ઑલરાઉન્ડર સૌરભ કુમાર અને વૉશિંગ્ટન સુંદરને ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી છે. મુંબઈના સરફરાઝ ખાને છેલ્લે કેટલીક ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ૪૫ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૬૯.૮૫ની ઍવરેજથી ૩૯૧૨ રન બનાવ્યા છે. ૨૬ વર્ષનો સરફરાઝ ખાન પહેલી વાર ટેસ્ટ ટીમમાં જોડાશે. ઉત્તર પ્રદેશમાં જન્મેલા સૌરભ કુમારે ૬૮ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૦૬૧ રન કર્યા છે અને ૨૯૦ વિકેટ ઝડપી છે, તો સૌરભ કુમારે હાલમાં ઇન્ડિયા-એ ટીમમાં શાનદાર પ્રદર્શન કરી લોકોનું ધ્યાન દોર્યું હતું.

વૉશિંગ્ટન સુંદર ભારત માટે ૪ ટેસ્ટ મૅચ રમી ચૂક્યો છે. તે અંતિમ ટેસ્ટ માર્ચ ૨૦૨૧માં રમ્યો હતો. રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં વૉશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક મળી શકે છે. તો ભારતીય ક્રિકેટ બોર્ડે એ પણ સ્પષ્ટ કહી દીધું હતું કે ફાસ્ટ બોલર આવેશ ખાન રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ ટીમ સાથે પ્રવાસ કરશે અને જરૂર પડશે તો તે ટેસ્ટ ટીમ સાથે જોડાશે. પાંચ મૅચની આ ટેસ્ટ સિરીઝમાં બીજી ટેસ્ટ મૅચ બીજી ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમાં રમાશે. ઇંગ્લૅન્ડ સિરીઝમાં ૧-૦થી આગળ છે. ભારતને હૈદરાબાદમાં ૨૮ રને હારનો સામનો કરવો પડ્યો હતો. દિગ્ગજ બૅટર વિરાટ કોહલીએ અંગત કારણસર શરૂઆતની બે ટેસ્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

ઇંગ્લૅન્ડ સામે બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ : રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કે. એસ. ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિ અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (ઉપ-સુકાની), આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વૉશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર.

sports news indian cricket team cricket news ravindra jadeja kl rahul