midday

અભિષેક શર્માએ ધડબડાટી બોલાવી દીધી

03 February, 2025 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૪ બૉલમાં ૧૩ સિક્સ અને ૭ ફોરની મદદથી ફટકાર્યા ૧૩૫ રન, T20માં ભારતીય ક્રિકેટરોમાં હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર અને એક મૅચમાં ફટકારેલી હાઇએસ્ટ ૧૩ સિક્સ અભિષેકના નામે : વરુણ ચક્રવર્તી પ્લેયર ઑફ ધ સિરીઝ
ટ્રોફી સાથે ચૅમ્પિયન ભારતીય ટીમ.

ટ્રોફી સાથે ચૅમ્પિયન ભારતીય ટીમ.

T20 સિરીઝ ૪-૧થી જીતીને ભારતે ઇંગ્લૅન્ડને ચખાડ્યો એનો સૌથી ભૂંડો પરાજય : ભારતના ૨૪૭/૯ સામે ઇંગ્લૅન્ડ ૯૭ રનમાં ઑલઆઉટ, જેમાંથી એકલા ફિલ સૉલ્ટના પંચાવન રન : વાનખેડે સ્ટેડિયમનો T20 ઇન્ટરનૅશનલનો હાઇએસ્ટ સ્કોર ફટકાર્યો સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીએ

IND vs ENG : ભારતે ગઈ કાલે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની છેલ્લી T20 મૅચમાં ઇંગ્લૅન્ડને રનની દૃ​ષ્ટિએ એનો સૌથી ભૂંડો પરાજય ચખાડ્યો હતો. ભારતે ૨૦ ઓવરમાં ૯ વિકેટે કરેલા ૨૪૭ રનના જવાબમાં ઇંગ્લૅન્ડ ૧૦.૩ ઓવરમાં ૯૭ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. ભારતે સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી. અભિષેક શર્માએ બૅટિંગમાં તરખાટ મચાવ્યા બાદ ભારતના બોલરો અંગ્રેજો પર ભારે પડ્યા હતા અને એના અગિયારમાંથી ૯ બૅટરો દ્વિઅંકી સ્કોર નહોતા નોંધાવી શક્યા, એમાંથી બે તો ઝીરોમાં ગયા હતા. ઓપનર ફિલ સૉલ્ટે એકલાએ ૯૭માંથી પંચાવન રન કર્યા હતા. મોહમ્મદ શમીએ ત્રણ; વરુણ ચક્રવર્તી, શિવમ દુબે અને અભિષેક શર્માએ બે-બે તથા રવિ બિશ્નોઈએ એક વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલરે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લૅન્ડે મીડિયમ ફાસ્ટ બોલર સાકિબ મહમૂદના સ્થાને ફાસ્ટ બોલર માર્ક વુડને ટીમમાં સ્થાન આપ્યું, જ્યારે ભારતીય ટીમે યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને બેસાડીને અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફરી ટીમમાં સ્થાન આપ્યું હતું.

અભિષેક શર્માએ ૧૩ સિક્સર સાથે ૧૩૫ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી અને બૉલિંગમાં બે​ વિકેટ લઈને મુંબઈકર્સને ખુશખુશાલ કરી દીધા.  (તસવીરો : અતુલ કાંબળે)

ઇનિંગ્સની શરૂઆતના પહેલા જ બૉલ પર ભારતીય ઓપનર સંજુ સૅમસને (૧૬ રન) જોફ્રા આર્ચર સામે સિક્સર ફટકારીને વાનખેડે સ્ટેડિયમમાં ખલબલી મચાવી હતી. તે રોહિત શર્મા (૨૦૨૧) અને યશસ્વી જાયસવાલ (૨૦૨૪) બાદ T20 ઇન્ટરનૅશનલ મૅચના પહેલા જ બૉલ પર સિક્સર ફટકારનાર ત્રીજો ભારતીય બન્યો છે. બીજી ઓવરમાં ૨૧ રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવનાર ભારતીય ટીમ માટે બીજા ઓપનર અભિષેક શર્માએ છેલ્લે સુધી ઇનિંગ્સ સંભાળી હતી.

૧૭ બૉલમાં ફિફ્ટી અને ૩૭ બૉલમાં સેન્ચુરી ફટકારનાર અભિષેક શર્મા (૫૪ બૉલમાં ૧૩૫ રન)એ બીજી વિકેટ માટે તિલક વર્મા (૨૪ રન) સાથે ૪૩ બૉલમાં ૧૧૫ રનની પાર્ટનરશિપ કરી હતી. બન્નેએ સાથે મળીને આ ફૉર્મેટમાં ભારતીય ટીમનો પાવરપ્લેનો સૌથી હાઇએસ્ટ સ્કોર ૯૫/૧ નોંધાવ્યો હતો. ભારતીય ટીમે ૬.૩ ઓવરમાં પોતાની ફાસ્ટેસ્ટ T20 ઇન્ટરનૅશનલ ટીમ સેન્ચુરી પૂરી કરી હતી.

૧૦.૧ ઓવર સુધીમાં પોતાની સેન્ચુરી પૂરી કરનાર અભિષેક શર્માએ ચોથી વિકેટ માટે શિવમ દુબે (૩૦ રન) સાથે ૧૮ બૉલમાં ૩૭ રન અને અક્ષર પટેલ (૧૫ રન) સાથે સાતમી વિકેટ માટે ૧૩ બૉલમાં ૩૫ રનની પાર્ટનરશિપ કરીને ભારતનો સ્કોર ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૨૪૭ સુધી પહોંચાડી દીધો હતો. આ ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં ૫૪ બૉલમાં ૧૩૫ રનની ભારતીય તરીકેની સૌથી મોટી ઇનિંગ્સ રમનાર અભિષેક શર્માએ ૭ ચોગ્ગાની સાથે ભારત માટે એક ઇનિંગ્સમાં સૌથી વધુ ૧૩ સિક્સરનો પણ રેકૉર્ડ બનાવ્યો છે.

વાનખેડે સ્ટેડિયમમાં T20 ઇન્ટરનૅશનલનો આ હાઇએસ્ટ સ્કોર છે. ભારતીય ટીમનો આ ચોથો હાઇએસ્ટ સ્કોર છે. આ પહેલાં ભારતીય ટીમે ડિસેમ્બર ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડીઝ સામે વાનખેડે સ્ટેડિયમમાં T20 ઇન્ટરનૅશનલનો હાઇએસ્ટ સ્કોર ૨૪૦/૩ નોંધાવ્યો હતો.

india england t20 wankhede abhishek sharma mohammed shami varun chakaravarthy shivam dube ravi bishnoi axar patel sanju samson jos buttler cricket news indian cricket team sports news sports