23 December, 2024 03:02 PM IST | London | Gujarati Mid-day Correspondent
બેન સ્ટોક્સ
ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે વર્ષ ૨૦૨૫ની શરૂઆતની મહત્ત્વની ટુર્નામેન્ટ માટે ગઈ કાલે મોટી જાહેરાત કરી હતી. ભારત સામેની પાંચ T20ની સાથે ત્રણ વન-ડે મૅચની સિરીઝ અને પાકિસ્તાનમાં આયોજિત વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ઇંગ્લૅન્ડની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે. વન-ડે સ્ક્વૉડમાં જો રૂટની એક વર્ષ બાદ વાપસી થઈ રહી છે, કારણ કે તે છેલ્લે ભારતમાં નવેમ્બર ૨૦૨૩માં વર્લ્ડ કપ દરમ્યાન છેલ્લી વન-ડે મૅચ રમ્યો હતો.
ઑલરાઉન્ડર અને ટેસ્ટ કૅપ્ટન બેન સ્ટોક્સની પસંદગી કરવામાં આવી નથી, કારણ કે તે આ મહિનાની શરૂઆતમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ દરમ્યાન હૅમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. જોસ બટલર, જો રૂટ, આદિલ રશીદ અને માર્ક વુડ આ ઇંગ્લૅન્ડની ટીમમાં સામેલ એ ચાર પ્લેયર છે જેણે ૨૦૧૭માં રમાયેલી છેલ્લી ચૅમ્પિયન્સ ટ્રોફી પણ રમી છે.
અનુભવી બૅટ્સમૅન જોસ બટલર ટીમનું નેતૃત્વ કરશે. ભારત ટૂર પર બાવીસમી જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન T20 અને વન-ડે સિરીઝ રમ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન રવાના થશે.
ભારત સામેની T20 સિરીઝનું શેડ્યુલ
૨૨ જાન્યુઆરી - ઈડન ગાર્ડન્સ, કલકત્તા
૨૫ જાન્યુઆરી - ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નઈ
૨૮ જાન્યુઆરી - નિરંજન શાહ સ્ટેડિયમ, રાજકોટ
૩૧ જાન્યુઆરી - MCA સ્ટેડિયમ, પુણે
૨ ફેબ્રુઆરી - વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
ભારત સામેની વન-ડે સિરીઝનું શેડ્યુલ
૬ ફેબ્રુઆરી - VCA સ્ટેડિયમ, નાગપુર
૯ ફેબ્રુઆરી - બારાબતી સ્ટેડિયમ, કટક
૧૨ ફેબ્રુઆરી - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ