આજથી ભારતીયો અને અંગ્રેજો વચ્ચે T20નો રોમાંચ શરૂ થશે

22 January, 2025 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરઆંગણે ૨૦૨૫ના વર્ષની પહેલી સિરીઝ રમશે ભારતીય ટીમ- ઈડન ગાર્ડન્સમાં ૭માંથી ૬ T20 મૅચ જીતી ગયું છે ભારત, ઇંગ્લૅન્ડ ૨૦૧૧માં ભારત સામે જીત્યું હતું

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ધમાલ-મસ્તી કરતા ભારતીય પ્લેયર્સ.

આજથી કલકત્તાના ઈડન ગાર્ડન્સના મેદાનથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ માટે ૨૦૨૫ના નવા વર્ષમાં ઘરઆંગણે આ પહેલી ઇન્ટરનૅશનલ સિરીઝ છે. ૨૦૨૪ના અંતમાં ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ હાર્યા બાદ ભારતીય ટીમ સામે વર્ષની શરૂઆતમાં T20 સિરીઝમાં ઇંગ્લૅન્ડનો જબરદસ્ત પડકાર મળશે. ભારતીય ટીમનો ઉદ્દેશ શરમજનક હારથી થયેલા ઘાને જીત સાથે મટાડવાનો પણ રહેશે.

મોહમ્મદ શમીની જેમ ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પણ ઇન્જરીમાંથી સ્વસ્થ થયા બાદ વાપસી કરી રહ્યો છે. જોકે આ બૅટિંગ-ફ્રેન્ડ્લી પિચ પર સાંજે ઝાકળ ફાસ્ટ બોલરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ઈડન ગાર્ડન્સમાં ફેબ્રુઆરી ૨૦૨૨ બાદ પહેલી વાર T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે. આ મેદાન પર ભારત ૭માંથી માત્ર એક T20 મૅચ હાર્યું છે. વર્ષ ૨૦૧૧માં ઇંગ્લૅન્ડે આ જ મેદાન પર ભારતને ૬ વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લૅન્ડે આ મેદાન પર પોતાની બીજી T20 મૅચ વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૧૬ના વર્લ્ડ કપની ફાઇનલ મૅચ દરમ્યાન રમી હતી જેમાં વેસ્ટ ઇન્ડીઝે ચાર વિકેટે જીત મેળવી હતી. ઇંગ્લૅન્ડ અને ભારત એકબીજા સામે આ મેદાન પર બીજી વાર T20 મૅચ રમશે.

૨૦૧૭થી આ બન્ને દેશ વચ્ચે એકથી વધુ મૅચની T20 સિરીઝ રમાઈ રહી છે. ૨૦૧૭થી ઇંગ્લૅન્ડની ટીમ ભારત સામે દ્વિપક્ષીય T20 સિરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 સિરીઝ હાર્યા બાદ ભારતીય ટીમે ઘરઆંગણે છેલ્લી ૧૬ દ્વિપક્ષીય T20 સિરીઝમાં હારનો સ્વાદ ચાખ્યો નથી. આ દરમ્યાન માત્ર સાઉથ આફ્રિકા સામેની બે સિરીઝ ડ્રૉ રહી હતી. ઓવરઑલ રેકૉર્ડની વાત કરીએ તો ભારતીય ટીમ છેલ્લે ઑગસ્ટ ૨૦૨૩માં યજમાન ટીમ વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર ૩-૨થી દ્વિપક્ષીય T20 સિરીઝ હારી હતી.

T20 સિરીઝનું શેડ્યુલ
૨૨ જાન્યુઆરી    કલકત્તા
૨૫ જાન્યુઆરી    ચેન્નઈ
૨૮ જાન્યુઆરી    રાજકોટ
૩૧ જાન્યુઆરી    પુણે
૦૨ ફેબ્રુઆરી    મુંબઈ

T20નો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 
કુલ મૅચ    ૨૪
ભારતની જીત    ૧૩
ઇંગ્લૅન્ડની જીત    ૧૧

આજે સાંજે ૭ વાગ્યે મૅચ શરૂ થશે, સ્ટાર સ્પોર્ટ્‍સ નેટવર્ક પર જોઈ શકાશે.

sports news sports indian cricket team cricket news england t20 international