01 October, 2024 09:15 AM IST | kanpur | Gujarati Mid-day Correspondent
રવીન્દ્ર જાડેજા
બંગલાદેશ સામે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ખાલેદ મહમૂદની વિકેટ લઈને રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦૦ વિકેટની સિદ્ધિ મેળવી લીધી છે. આ પ્રતિષ્ઠિત આંકડા સુધી પહોંચનાર તે સાતમો ભારતીય બોલર બન્યો છે. આ યાદીમાં તેની પહેલાં અનિલ કુંબલે (૬૧૯), આર. અશ્વિન (૫૨૪), કપિલ દેવ (૪૩૪), હરભજન સિંહ (૪૧૭), ઇશાન્ત શર્મા (૩૧૧) અને ઝહીર ખાન (૩૧૧)નું નામ સામેલ છે.
IND vs BAN: જાડેજા ૧૭,૪૨૮ બૉલમાં ૩૦૦ ટેસ્ટ-વિકેટ પૂરી કરનાર ભારતનો બીજો ફાસ્ટેસ્ટ બોલર બન્યો છે. અશ્વિને આ સિદ્ધિ સૌથી ઝડપી ૧૫,૬૩૬ બૉલમાં મેળવી હતી. ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦૦૦ રન અને ૩૦૦ વિકેટ લેનાર તે દુનિયાનો અગિયારમો અને ભારતનો ત્રીજો ઑલરાઉન્ડર બન્યો છે. તેણે કરીઅરની ૭૪મી ટેસ્ટ-મૅચમાં આ સિદ્ધિ મેળવી છે. આ ડબલ સિદ્ધિ મેળવનારો તે ફાસ્ટેસ્ટ એશિયન બની ગયો છે. અગાઉ આ એશિયન રેકૉર્ડ ઇમરાન ખાનના નામે હતો, તેણે ૭૫ ટેસ્ટ-મૅચમાં આ ડબલ સિદ્ધિ મેળવી હતી. ફાસ્ટેસ્ટ ૩૦૦ વિકેટ અને ૩૦૦૦ રનનો ઓવરઑલ રેકૉર્ડ ઇંગ્લૅન્ડના ઇયાન બૉથમના નામે છે, તેણે આ સિદ્ધિ ૭૨ ટેસ્ટમાં મેળવી હતી. કાનપુર ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં તેણે ૯.૨ ઓવરમાં ૨૮ રન આપીને એકમાત્ર વિકેટ ઝડપી હતી.