26 September, 2024 09:55 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, વિરાટ કોહલી
ભારત અને બંગલાદેશ વચ્ચેની ટેસ્ટ-સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ-મૅચ ૨૭ સપ્ટેમ્બરથી પહેલી ઑક્ટોબર વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. મંગળવારે કાનપુર પહોંચેલી બન્ને ટીમોએ ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશનમાં જીતની તૈયારી શરૂ કરી હતી. ભારતીય ખેલાડીઓ પહેલાં (IND vs BAN) બંગલાદેશની ટીમે લગભગ ત્રણ કલાક પ્રૅક્ટિસ કરી હતી. પહેલી ટેસ્ટ જીતીને આત્મવિશ્વાસથી ભરેલી રોહિત ઍન્ડ કંપનીએ પણ મસ્તી-મજાક સાથે પ્રૅક્ટિસ-સેશનમાં પરસેવો પાડ્યો હતો.
કૅપ્ટન રોહિત શર્મા, હેડ કોચ ગૌતમ ગંભીર અને સહાયક કોચ અભિષેક નાયરે પિચનું નિરીક્ષણ પણ કર્યું હતું. વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ બૅટિંગ-પ્રૅક્ટિસ અને રવીન્દ્ર જાડેજા સાથે રવિચન્દ્રન અશ્વિન બોલિંગ-પ્રૅક્ટિસ કરતા જોવા મળ્યા હતા. IPL દરમ્યાન ભલે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીના સંબંધોમાં ખટાશ જોવા મળી, પણ ભારતીય ટીમ સાથે કામ કરવા દરમ્યાન બન્ને વચ્ચે ખૂબ જ સારી કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.
બીજી મૅચ દરમ્યાન દુર્ઘટનાનું જોખમ છે?
IND vs BAN: ઉત્તર પ્રદેશ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)એ બીજી ટેસ્ટ પહેલાં ગ્રીન પાર્ક સ્ટેડિયમના સ્ટૅન્ડ-Cને ખતરનાક ગણાવ્યું હતું. સ્ટ્રક્ચર મૅચ દરમ્યાન સ્ટૅન્ડની સંપૂર્ણ ક્ષમતાનો ભાર ઉઠાવી શકશે નહીં અને નીચે આવી શકે છે. આ સ્ટૅન્ડની કુલ ૪૮૦૦માંથી ૧૭૦૦ સીટની જ ટિકિટ વેચવામાં આવશે. PWDએ ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (UPCA)ને આ સ્ટૅન્ડ બંધ રાખવાની ચેતવણી આપી છે. આ સ્ટૅન્ડ પર લગભગ છ કલાક વિતાવ્યા બાદ એક એન્જિનિયરે કહ્યું હતું કે ‘જો રિષભ પંત સિક્સર મારે અને ફૅન્સ કૂદવાનું શરૂ કરે તો આ સ્ટૅન્ડ ૫૦ ફૅન્સનું વજન પણ ઉપાડી શકશે નહીં. સ્ટેડિયમના આ ભાગને સમારકામની સખત જરૂર છે.’