03 October, 2024 10:56 AM IST | kanpur | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ, રવિચન્દ્રન અશ્વિન
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ભારત અને બંગલાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ટેસ્ટ-ક્રિકેટમાં નંબર વન બોલર બની ગયો છે. બુમરાહે સાથી ખેલાડી રવિચન્દ્રન અશ્વિનને પછાડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. જસપ્રીત બુમરાહના ૮૭૦ રેટિંગ પૉઇન્ટ છે જે બીજા સ્થાને સરકી ગયેલા અશ્વિન (૮૬૯ રેટિંગ પૉઇન્ટ) કરતાં એક વધુ છે. બુમરાહે કાનપુર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બે ઇનિંગ્સમાં છ વિકેટ લીધી જેના કારણે તેને ટોચનું સ્થાન હાંસલ કરવામાં મદદ મળી છે. ટૉપના ટેસ્ટ-બોલરોની યાદીમાં રવીન્દ્ર જાડેજા છઠ્ઠા ક્રમે છે.
IND vs BAN: ટેસ્ટ-બૅટિંગ રૅન્કિંગમાં યશસ્વી જાયસવાલને બે અને વિરાટ કોહલીને ૬ સ્થાનનો ફાયદો થયો છે. કાનપુર ટેસ્ટનો પ્લેયર ઑફ ધ મૅચ યશસ્વી જો રૂટ અને કેન વિલિયમસન બાદ ત્રીજા સ્થાને છે. વિરાટ કોહલીએ છઠ્ઠા ક્રમે રહીને ટૉપ-ટેન બૅટર્સના લિસ્ટમાં ફરી એન્ટ્રી મારી છે. આ લિસ્ટમાં રિષભ પંત ત્રણ સ્થાનના નુકસાન સાથે નવમા ક્રમે, રોહિત શર્મા પાંચ સ્થાનના નુકસાન સાથે ૧૫મા ક્રમે અને શુભમન ગિલ બે સ્થાનના નુકસાન સાથે ૧૬મા ક્રમે પહોંચ્યો છે.
વન-ડે રમ્યા વગર ટૉપ-થ્રી બોલર્સમાં કઈ રીતે પહોંચી ગયો કુલદીપ યાદવ?
ઑસ્ટ્રેલિયાના સ્પિનર ઍડમ ઝૅમ્પા અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ બાદ બોલિંગ-રૅન્કિંગમાં બે-બે સ્થાનનું નુકસાન થયું હોવાથી તેમણે અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમનું સ્થાન ગુમાવ્યું છે. જ્યારે કુલદીપ યાદવ એક પણ વન-ડે રમ્યા વિના પણ બે સ્થાન આગળ વધીને નંબર ફાઇવથી નંબર થ્રી પર પહોંચી ગયો છે. હાલમાં તે ODIમાં બોલરોના રૅન્કિંગમાં ભારતનો નંબર વન બોલર છે.