૨૧મી સદીમાં પહેલી જ વાર એક પણ મેઇડન ઓવર રમ્યા વગર ટેસ્ટ-વિજય

02 October, 2024 11:19 AM IST  |  kanpur | Gujarati Mid-day Correspondent

કાનપુર ટેસ્ટમાં બંગલાદેશને સાત વિકેટે હરાવીને ભારતીય ટીમે ઘરઆંગણે સતત ૧૮મી ટેસ્ટ-સિરીઝ જીતી મૅચમાં ૭ પ્લસના રન-રેટથી રમનાર ટેસ્ટ-ઇતિહાસની પહેલી ટીમ બની ભારતની, કાનપુરમાં બાવન ઓવરમાં ફટકાર્યા ૩૮૩ રન

કાનપુર ટેસ્ટમાં ગઈ કાલે મોટી સંખ્યામાં પ્રેક્ષકો જોવા મળ્યા હતા, ઉત્તર પ્રદેશના સ્થાનિક ક્રિકેટર આકાશ દીપ સાથે ભારતીય ટીમે કરી ક્લીન સ્વીપની ઉજવણી

કાનપુર ટેસ્ટના પાંચમા દિવસે બંગલાદેશને ૭ વિકેટે હરાવીને ભારતીય ટીમે બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી. બીજી ઇનિંગ્સમાં ૪૭ ઓવરમાં ૧૪૬ રને આઉટ થઈને બંગલાદેશી ટીમે ભારતને જીતવા માટે ૯૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૯૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે યશસ્વી જાયસવાલ (૫૧ રન) અને વિરાટ કોહલી (૨૯ રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૫૮ રનની પાર્ટનરશિપની મદદથી ૧૭.૨ ઓવરમાં ત્રણ વિકેટે ૯૮ રન બનાવીને સરળ વિજય નોંધાવ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશનો સ્કોર ૨૩૩ અને ભારતનો સ્કોર ૨૮૫/૯ રહ્યો હતો. 

સતત બે દિવસ વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે રમત ન રમાઈ પણ ચોથા અને પાંચમા દિવસે ભારતીય ટીમે T20ના અંદાજમાં બૅટિંગ કરીને અનેક રેકૉર્ડ તોડ્યા હતા. આ ક્લીન સ્વીપ સાથે ભારતીય ટીમે ૨૦૧૩થી હમણાં સુધી ઘરઆંગણે સતત અઢારમી ટેસ્ટ-સિરીઝ જીતી છે. આ મામલે ભારતીય ટીમ ટૉપ પર છે. છેલ્લે ૨૦૧૨માં ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

IND vs BAN: કાનપુર ટેસ્ટમાં ભારતીય ટીમે બાવન ઓવર રમીને ૩૮૩ રન ફટકાર્યા છે. આ દરમ્યાન ભારતીય ટીમ દ્વારા એક પણ મેઇડન ઓવર રમ્યા વગર ટેસ્ટ જીતી છે. ૨૧મી સદીમાં અને ભારતીય ટીમ દ્વારા પોતાના ટેસ્ટ-ઇતિહાસમાં પહેલી વાર આ કમાલ થઈ છે. આ પહેલાં ૧૯૩૯માં ઇંગ્લૅન્ડની ટીમે સાઉથ આફ્રિકા સામે એક પણ મેઇડન ઓવર રમ્યા વગર એક ઇનિંગ્સ અને ૧૩ રને જીત મેળવી હતી. ભારતે ૮૫ વર્ષ જૂના આ રેકૉર્ડની બરાબરી કરી છે. ભારતીય ટીમ એવી પહેલી ટીમ બની છે જેણે ટેસ્ટ-મૅચમાં ૭ પ્લસના રન-રેટથી રન ફટકાર્યા હોય. કાનપુરમાં ભારતનો રન-રેટ ૭.૩૬ રહ્યો છે. આ પહેલાં ૨૦૦૫માં ઝિમ્બાબ્વે સામે સાઉથ આફ્રિકાએ ૬.૮૦નો હાઇએસ્ટ રન-રેટ નોંધાવ્યો હતો. 

શાકિબ-અલ-હસનને બૅટ ગિફ્ટમાં આપ્યું વિરાટ કોહલીએ.

4306 દિવસથી ઘરઆંગણે ટેસ્ટ-સિરીઝ હાર્યું નથી ભારત

ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ-સિરીઝ જીતનાર ટીમ
૧૮ - ભારત (૨૦૧૩-૨૦૨૪)
૧૦ - આૅસ્ટ્રેલિયા (૧૯૯૪-૨૦૦૦)
૧૦ - આૅસ્ટ્રેલિયા (૨૦૦૪-૨૦૦૮)
૮ - વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૬-૧૯૮૬)
૮ - ન્યુ ઝીલૅન્ડ (૨૦૧૭-૨૦૨૦)

8 - એક ટેસ્ટની બે ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારનાર આટલામો ક્રિકેટર બન્યો યશસ્વી જાયસવાલ

આ પિચ પર ટેસ્ટનું પરિણામ મેળવવાનો અમારો પ્રયાસ શાનદાર હતો. એ એક જોખમ હતું જે અમે લેવા તૈયાર હતા, કારણ કે જ્યારે તમે આવી બૅટિંગ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે ૧૦૦-૧૨૦ રનના ઓછા સ્કોર પર આઉટ થઈ શકો છો, પરંતુ અમે એના માટે તૈયાર હતા. - ભારતીય કૅપ્ટન રોહિત શર્મા 

india bangladesh test cricket indian cricket team kanpur rohit sharma virat kohli yashasvi jaiswal t20 cricket news sports news