રોહિત ઍન્ડ કંપની ટેસ્ટ-ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ ૫૦, ૧૦૦, ૧૫૦, ૨૦૦ અને ૨૫૦ રન ફટકારનારી ટીમ બની ગઈ

01 October, 2024 09:11 AM IST  |  kanpur | Gujarati Mid-day Correspondent

બંગલાદેશને ૨૩૩ રને આૅલઆઉટ કરીને ભારતીય ટીમે ૨૮૫ રને ઇનિંગ્સ ડિક્લેર કરી : બીજી ઇનિંગ્સમાં બંગલાદેશ બે વિકેટે ૨૬, હજી ૨૬ રન પાછળ, ૨૧મી સદીમાં પહેલી વાર કોઈ ટીમે ૩૫ ઓવરમાં ટેસ્ટની પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી

વિરાટ કોહલી અને કે. એલ. રાહુલ ગઈ કાલે બંગલાદેશ સામેની બીજી ટેસ્ટ-મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન એકસરખી બૅટિંગ-સ્ટાઇલની મસ્તી કરતા જોવા મળ્યા હતા

કાનપુરમાં ભારત અને બંગલાદેશની બીજી ટેસ્ટના ચોથા દિવસે કોઈ પણ વિઘ્ન વગર રમતની શરૂઆત થઈ હતી. સતત બે દિવસ આરામ કરનાર બન્ને ટીમોએ ચોથા દિવસની રમત દરમ્યાન ૮૫ ઓવરમાં ૧૮ વિકેટ ગુમાવી અને ૪૩૭ રન ફટકાર્યા હતા. બંગલાદેશે ૩૫મી ઓવરમાં ૧૦૭/૩ના સ્કોરથી શરૂઆત કરીને ૭૪.૨ ઓવર સુધીમાં ઑલઆઉટ થઈને ૨૩૩ રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે T20 ક્રિકેટના અંદાજમાં પોતાની પહેલી ઇનિંગ્સમાં નવ વિકેટે ૨૮૫ રન ફટકારીને બાવન રનની લીડ મેળવી હતી. ચોથા દિવસના અંતે બંગલાદેશે બીજી ઇનિંગ્સમાં ૧૧ ઓવરમાં બે વિકેટે ૨૬ રન ફટકાર્યા હતા. મહેમાન ટીમ હજી યજમાન ટીમથી ૨૬ રન પાછળ છે. 

૨૮૫ રનનો સ્કોર ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં ડિક્લેર કરેલો તેમનો લોએસ્ટ સ્કોર હતો. આ પહેલાં ભારતીય ટીમે ૧૯૪૯માં ૨૯૧/૯ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ૨૧મી સદીમાં પહેલી વાર કોઈ ટીમે ૩૫ ઓવરમાં ટેસ્ટની પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી છે. ભારતીય ટીમે ૩૪.૪ ઓવરમાં ઇનિંગ્સ ડિક્લેર કરીને બંગલાદેશને બીજી ઇનિંગ્સમાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમ તરફથી યશસ્વી જાયસવાલ (૭૨ રન) અને કે. એલ. રાહુલ (૬૮ રન)એ મોટી ઇનિંગ્સ રમી હતી, જ્યારે બોલિંગમાં બન્ને ઇનિંગ્સમાં હમણાં સુધી આર. અશ્વિને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી છે. બંગલાદેશ તરફથી મોમિનુલ હકે ૧૦૭ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. 

યશસ્વી જાયસવાલે ૭૨ રન ફટકાર્યા હતા

IND vs BAN: ટેસ્ટ-ઇતિહાસમાં એક દિવસમાં ભારતીય ટીમે પાંચ મોટા કીર્તિમાન પોતાને નામે કર્યા છે. રોહિત ઍન્ડ કંપની ટેસ્ટ-ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ ૫૦, ૧૦૦, ૧૫૦, ૨૦૦ અને ૨૫૦ રન ફટકારનારી ટીમ બની ગઈ છે. આ પહેલાં ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકૉર્ડ ઇંગ્લૅન્ડે ૨૦૨૪માં જ ૪.૨ ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે, ફાસ્ટેસ્ટ ટીમ સેન્ચુરી અને ૧૫૦ રનનો રેકૉર્ડ ભારતીય ટીમે ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડિઝ સામે અનુક્રમે ૧૨.૨ ઓવર અને ૨૧.૧ ઓવરમાં, ફાસ્ટેસ્ટ ૨૦૦ રનનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાએ ૨૦૧૭માં પાકિસ્તાન સામે ૨૮.૧ ઓવરમાં, ફાસ્ટેસ્ટ ૨૫૦ રનનો રેકૉર્ડ ઇંગ્લૅન્ડે ૨૦૨૨માં પાકિસ્તાન સામે ૩૩.૬ ઓવરમાં ફટકાર્યો હતો. આજે પાંચમા દિવસે સૌની નજર બીજી ટેસ્ટ-મૅચના રિઝલ્ટ પર રહેશે.

સચિન તેન્ડુલકરનો કયો મહારેકૉર્ડ તોડ્યો કિંગ કોહલીએ? 
કાનપુર ટેસ્ટમાં ભારતની પહેલી ઇનિંગ્સમાં વિરાટ કોહલી ૩૫ બૉલમાં ૪૭ રનની ઇનિંગ્સ રમીને શાકિબ-અલ-હસનનો શિકાર બન્યો હતો. કાનપુર ટેસ્ટમાં ૩૫ રનના આંકડા પર પહોંચતાંની સાથે જ તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પોતાના ૨૭,૦૦૦ રન પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો ચોથો ખેલાડી છે, પરંતુ સૌથી ઝડપી ૨૭,૦૦૦ ઇન્ટરનૅશનલ રન બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ હવે વિરાટ કોહલી (૫૯૪ ઇનિંગ્સ)ના નામે છે. તેણે સચિન તેન્ડુલકર (૬૨૩ ઇનિંગ્સ)ને પછાડીને આ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલાં તે ૩૩૩ ઇનિંગ્સમાં ૧૫,૦૦૦ અને ૪૧૭ ઇનિંગ્સમાં ૨૦,૦૦૦ ઇન્ટરનૅશનલ રન પૂરા કરનાર દુનિયાનો ફાસ્ટેસ્ટ ક્રિકેટર બન્યો હતો.

ભારતે બનાવેલા માઇલસ્ટોન 
ફાસ્ટેસ્ટ ૫૦ ટેસ્ટ રન : ૩.૦ ઓવર
ફાસ્ટેસ્ટ ૧૦૦ ટેસ્ટ રન : ૧૦.૧ ઓવર
ફાસ્ટેસ્ટ ૧૫૦ ટેસ્ટ રન : ૧૮.૨ ઓવર
ફાસ્ટેસ્ટ ૨૦૦ ટેસ્ટ રન : ૨૪.૨ ઓવર 
ફાસ્ટેસ્ટ ૨૫૦ ટેસ્ટ રન : ૩૦.૧ ઓવર

8.22
પહેલી ઇનિંગ્સમાં ભારતનો રન-રેટ આટલો હતો, જે મેન્સ ક્રિકેટના ટેસ્ટ-ઇતિહાસમાં હાઇએસ્ટ છે.

96
આટલી સિક્સર સાથે એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ-સિક્સર ફટકારનારી બની ભારતીય ટીમ, ૨૦૨૨માં ઇંગ્લૅન્ડે ફટકારી હતી ૮૯ સિક્સર.  

india banglad test cricket yashasvi jaiswal virat kohli kl rahul kanpur cricket news indian cricket team sports news