10 October, 2024 09:58 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નીતીશ કુમાર રેડ્ડીએ આક્રમક ૭૪ રન ફટકાર્યા હતા.
દિલ્હીમાં બીજી T20 મૅચમાં બંગલાદેશી ટીમને ૮૬ રને હરાવીને ભારતીય ટીમે ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ભારતીય મેન્સ ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૨૧ રન ફટકાર્યા હતા. જવાબમાં બંગલાદેશી ટીમ ૯ વિકેટે ૧૩૫ રન જ બનાવી શકી હતી. ભારતની બંગલાદેશ સામે T20 ઇન્ટરનૅશનલની ૮૬ રનની આ સૌથી મોટી જીત છે. આ પહેલાં T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન ભારતે બંગલાદેશ સામે ૫૦ રને જીત મેળવી હતી.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ પહેલાં T20 ઇન્ટરનૅશનલનો હાઇએસ્ટ સ્કોર સાઉથ આફ્રિકા (૨૧૨ રન)નો હતો, જેને ભારતીય ટીમે ૨૨૧ રન બનાવીને તોડ્યો છે. ૨૧ વર્ષના નીતીશ કુમાર રેડ્ડીએ સાત છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ૩૪ બૉલમાં ૭૪ રનની ઇનિંગ્સ રમીને ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી ફિફ્ટી નોંધાવી છે. કરીઅરની બીજી ઇન્ટરનૅશનલ મૅચમાં તેણે ૨૭ બૉલમાં ફિફ્ટી ફટકારી છે. રિન્કુ સિંહે ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી ૨૯ બૉલમાં ૫૩ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ૨૬ બૉલમાં T20 ઇન્ટરનૅશનલમાં ત્રીજી ફિફ્ટી ફટકારી છે.
આ મૅચ દરમ્યાન ભારતીય ટીમના સાત બોલર્સે વિકેટ ઝડપી હતી જે T20 ઇન્ટરનૅશનલ મૅચની એક ઇનિંગ્સમાં સૌથી વધુ બોલર્સ દ્વારા લેવામાં આવેલી વિકેટનો રેકૉર્ડ છે.