16 December, 2022 01:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કુલદીપ યાદવે નુરુલ હસનને આઉટ કર્યા પછી કૅપ્ટન રાહુલ અને અન્ય સાથીઓ સાથે વિકેટ સેલિબ્રેટ કરી હતી (ડાબે). એ પહેલાં અશ્વિને ત્રણ કલાકની બૅટિંગમાં ઉપયોગી ૫૮ રન બનાવ્યા હતા (જમણે). તસવીર એ.પી.
ચટગાંવમાં બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં દિગ્ગજ અને ભરોસાપાત્ર બૅટર્સ સારું રમવામાં કે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા ત્યાં ટીમને ગઈ કાલે કેટલાક બોલર્સે બૅટિંગમાં પોતાની કાબેલિયત બતાવીને મોટો સ્કોર અપાવ્યો હતો. કૅપ્ટન કે. એલ. રાહુલ (બાવીસ રન), શુભમન ગિલ (૨૦ રન) વિરાટ કોહલી (૧ રન) અને રિષભ પંત (૪૬ રન)ની સરખામણીમાં રવિચન્દ્રન અશ્વિન (૫૮ રન, ૧૧૩ બૉલ, ૧૭૧ મિનિટ, બે સિક્સર, બે ફોર) અને કુલદીપ યાદવ (૪૦ રન, ૧૧૪ બૉલ, ૧૪૬ મિનિટ, પાંચ ફોર) ઘણું સારું રમ્યા હતા.
અશ્વિને ટેસ્ટમાં પાંચ સદી ફટકારી છે અને તેર હાફ સેન્ચુરી પણ તેના નામે છે, પરંતુ બંગલાદેશ સામે તેણે પહેલી વાર હાફ સેન્ચુરી નોંધાવીને તેમને પોતાના બૅટનો પરચો કરાવી દીધો હતો. પછીથી અશ્વિનને ૧૦ ઓવરમાં ૩૪ રનના ખર્ચે એકેય વિકેટ નહોતી મળી, પરંતુ તેણે બૅટર્સને કાબૂમાં રાખ્યા હતા.
ભારત ૪૦૪, બંગલાદેશ ૧૩૩/૮
અશ્વિન-કુલદીપ વચ્ચે આઠમી વિકેટ માટે થયેલી ૯૨ રનની ભાગીદારીને લીધે જ ભારત ૪૦૪ રનનું સન્માનજનક ટોટલ નોંધાવી શક્યું હતું. બંગલાદેશના ૭ બોલર્સમાંથી તૈજુલ ઇસ્લામ અને મેહદી હસન મિરાઝે સૌથી વધુ ૪-૪ વિકેટ લીધી હતી. કૅપ્ટન શાકિબ-અલ-હસનને વિકેટ નહોતી મળી.
શ્રેયસ પણ સદી ચૂક્યો
ચેતેશ્વર પુજારા બુધવારે ૯૦ રન પર આઉટ થઈ જતાં ૧૦ રન માટે ૧૯મી સદી ચૂકી ગયો હતો તો ગઈ કાલે ૮૬ રન પર આઉટ થઈ જતાં બીજી સદીથી ૧૪ ડગલાં દૂર રહ્યો હતો. તેને ઇબાદત હુસેને શૉર્ટ ઑફ લેન્ગ્થમાં ક્લીન બોલ્ડ કર્યો હતો.
કુલદીપ બર્થ-ડે પછી ચમક્યો
લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ (૧૦-૩-૩૩-૪) હરીફ બૅટર્સને કાંડાની કરામત બતાવવા માટે જાણીતો છે. આ રિસ્ટ સ્પિનરે બુધવારે ૨૮મો જન્મદિન ઊજવ્યો અને ગઈ કાલે બંગલાદેશી બૅટર્સ પર ત્રાટક્યો હતો. તેને બાવીસ મહિને ફરી ટેસ્ટમાં રમવા મળ્યું છે. છેલ્લે તે ફેબ્રુઆરી ૨૦૨૧માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ રમ્યો હતો.
તેણે મુશ્ફિકુર રહીમ, કૅપ્ટન શાકિબ, વિકેટકીપર નુરુલ હસન અને તૈજુલની વિકેટ લીધી હતી. ગઈ કાલે જે છેલ્લી ચાર વિકેટ પડી હતી એ તમામ કુલદીપે લીધી હતી.
સિરાજે પણ બોલાવ્યો સપાટો
પેસ બોલર મોહમ્મદ સિરાજે (૯-૧-૧૪-૩) માત્ર ૧૪ રનમાં ત્રણ બૅટર્સને આઉટ કર્યા હતા. બંગલાદેશે જે પહેલી ચાર વિકેટ ગુમાવી હતી એ ત્રણ (નજમુલ, ઝાકિર, લિટન દાસ) શિકાર સિરાજના હતા. ખાસ કરીને ડેન્જરસ બૅટર લિટન દાસ ટીમની ૧૪મી ઓવરમાં સિરાજના બૉલમાં ડિફેન્સિવ રમવા જતાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.