24 November, 2024 09:02 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
મિચલ સ્ટાર્કનો કૅચ પકડીને રિષભ પંતે ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ સમાપ્ત કરાવી હતી.
ગઈ કાલે પર્થ ટેસ્ટના બીજા દિવસે ઑસ્ટ્રેલિયન બોલર મિચલ સ્ટાર્કનો કૅચ પકડીને ભારતીય વિકેટકીપર રિષભ પંત એક ટૉપ ક્લાસ લિસ્ટમાં સામેલ થયો હતો. તે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં ૧૦૦ વિકેટ લેવામાં મદદ કરનાર ત્રીજો વિકેટકીપર બની ગયો છે. તેણે WTCમાં ૩૦ મૅચમાં વિકેટકીપર તરીકે ૮૭ કૅચ અને ૧૩ સ્ટમ્પિંગ કર્યાં છે.
ઑસ્ટ્રેલિયન વિકેટકીપર ઍલેક્સ કૅરી ૩૩ મૅચમાં ૧૨૫ કૅચ અને ૧૨ સ્ટમ્પિંગ સહિત ૧૩૭ વિકેટ સાથે પહેલા ક્રમે છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝનો વિકેટકીપર જોશુઆ દા સિલ્વા ૩૦ મૅચમાં ૧૦૩ કૅચ અને પાંચ સ્ટમ્પિંગ સહિત ૧૦૮ વિકેટ સાથે બીજા ક્રમે છે. વર્ષ ૨૦૧૮માં ભારત માટે ટેસ્ટ-ડેબ્યુ કરનાર પંત WTCમાં સૌથી વધુ સ્ટમ્પિંગનો રેકૉર્ડ ધરાવે છે અને ઑસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ મૅચની સિરીઝમાં તે વધુ ૧૩ કૅચ પકડીને ૧૦૦ કૅચ પૂરા કરવાનો પણ પ્રયાસ કરશે.