24 November, 2024 08:34 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
ભારત માટે કે. એલ. રાહુલ અને યશસ્વી જાયસવાલે કરી ૧૭૨ રનની પાર્ટનરશિપ.
૨૦ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયન ધરતી પર ભારતીય ઓપનર્સે ટેસ્ટમાં સેન્ચુરીની પાર્ટનરશિપ કરી, આજે વધુ ૨૦ રનની પાર્ટનરશિપ કરીને હાઇએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ કરનારી ભારતીય જોડી બની શકે છે રાહુલ અને યશસ્વી
પર્થ ટેસ્ટમાં બીજા દિવસે ઓપનર્સે બીજી ઇનિંગ્સમાં ૧૭૨ રનની અતૂટ પાર્ટનરશિપ કરીને ભારતીય ટીમને ૨૧૮ રનની લીડ અપાવી છે. પહેલી ઇનિંગ્સમાં ૪૯.૪ ઓવરમાં ૧૫૦ રનમાં સમેટાઈ ગયેલી ભારતીય ટીમ સામે ઑસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૫૧.૨ ઓવરમાં ૧૦૪ રન બનાવી ઑલઆઉટ થઈ હતી. પહેલા દિવસની રમતમાં ૭૬.૪ ઓવરમાં ૧૭ વિકેટ અને ૨૧૭ રન જોવા મળ્યા હતા પણ બીજા દિવસે ૮૨.૨ ઓવરમાં માત્ર ઑસ્ટ્રેલિયન બૅટર્સની ત્રણ વિકેટ સાથે ૨૦૯ રન થયા છે.
બીજા દિવસે ઑસ્ટ્રેલિયાની ટીમે ૨૭ ઓવરમાં ૬૭/૭ના સ્કોરથી રમતની શરૂઆત કરી હતી. વિકેટકીપર-બેટર ઍલેક્સ કૅરીએ ૧૯ રન અને મિચલ સ્ટાર્કે ૬ રનના વ્યક્તિગત સ્કોર સાથે ઇનિંગ્સને આગળ વધારી હતી. દિવસની બીજી જ ઓવરમાં ભારતીય કૅપ્ટન જસપ્રીત બુમરાહે ઍલેક્સ કૅરીને ૨૧ રન પર વિકેટકીપર રિષભ પંતના હાથે કૅચઆઉટ કરાવ્યો હતો. ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ૧૧૨ બૉલમાં ૨૬ રન બનાવીને સ્કોરને ૧૦૦ રનને પાર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે સ્પિનર નૅથન લાયન (પાંચ રન) સાથે ૩૧ બૉલમાં ૯ રન અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (૭ રન અણનમ) સાથે ૧૧૦ બૉલમાં પચીસ રનની પાર્ટનરશિપ કરી હતી.
ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ બાદ ભારતીય ટીમ પાસે ૪૬ રનની લીડ હતી. જસપ્રીત બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ ૧૫.૨ ઓવરમાં ૩ મેઇડન ઓવર નાખીને ૪૮ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ૧૩ ઓવરમાં ૨૦ રન આપીને બે વિકેટ લીધી હતી.
બીજી ઇનિંગ્સમાં ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ (૯૦ રન) અને કે. એલ. રાહુલે (૬૨ રન) ૫૭ ઓવર સુધી વિકેટ ગુમાવ્યા વગર ૧૭૨ રનની ધીરજપૂર્વકની પાર્ટનરશિપ કરી છે. બન્નેની જોડી ૨૦૦૪ પછી ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં સેન્ચુરીની પાર્ટનરશિપ કરનાર પ્રથમ ભારતીય ઓપનિંગ જોડી બની છે. ૨૦૦૪માં વીરેન્દર સેહવાગ (૭૨ રન) અને આકાશ ચોપડા (૪૫ રન) એ સિડની ટેસ્ટમાં ૧૨૩ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ઑસ્ટ્રેલિયાની ધરતી પર બે ભારતીય ઓપનરે ફિફ્ટી પ્લસ રનની ઇનિંગ્સ રમી હોય એવી આ ચોથી અને એકવીસમી સદીની પહેલી ઘટના છે. આ પહેલાં ૧૯૮૧માં મેલબર્ન ટેસ્ટ, ૧૯૮૫માં ઍડીલેડ ટેસ્ટ અને ૧૯૮૬માં સિડની ટેસ્ટમાં આ ઘટના બની હતી. આ ત્રણેય ઘટનામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકર સામેલ હતા. આજે ભારતીય ટીમની નજર ૩૦૦ રનનો સ્કોર પાર કરી મજબૂત ટાર્ગેટ સેટ કરવા પર રહેશે.
ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે રન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે કર્યા હતા. તેણે ૧૧૨ બૉલમાં ૨૬ રન બનાવીને સ્કોરને ૧૦૦ રનને પાર પહોંચાડ્યો હતો.
ટેસ્ટ-ક્રિકેટમાં એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ સિક્સર હવે યશસ્વી જાયસવાલની
પર્થ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૮ બૉલ રમી ઝીરો પર કૅચઆઉટ થયેલા ઓપનિંગ બૅટર યશસ્વી જાયસવાલે બીજા દિવસને અંતે બીજી ઇનિંગ્સમાં ૯૦ રનની અણનમ ઇનિંગ્સ રમી છે. ગઈ કાલે ૧૯૩ બૉલની આ ઇનિંગ્સમાં તેણે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ બે સિક્સર ફટકારવાની સાથે તે એક કૅલેન્ડર યરમાં ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બૅટર બની ગયો હતો.
આ વર્ષે ૧૨ ટેસ્ટમાં હમણાં સુધી ૩૪ સિક્સર ફટકારીને તેણે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને ઇંગ્લૅન્ડના વર્તમાન હેડ કોચ બ્રેન્ડન મૅક્લમનો ૧૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. ૨૦૧૪માં મૅક્લમે ૯ ટેસ્ટમાં ૩૩ સિક્સર ફટકારી હતી. ૨૦૨૨માં ૨૬ સિક્સર સાથે ઇંગ્લૅન્ડનો ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.
ઑસ્ટ્રેલિયામાં હાઇએસ્ટ ભારતીય ઓપનિંગ પાર્ટનરશિપનો રેકૉર્ડ આજે તૂટશે?
ઑસ્ટ્રેલિયાની ધરતી પર ૧૯૮૬માં સુનીલ ગાવસકર (૧૭૨ રન) અને કૃષ્ણમાચારી શ્રીકાંત (૧૧૬ રન)એ મળીને સિડની ટેસ્ટમાં ૧૯૧ રનની હાઇએસ્ટ પાર્ટનરશિપ નોંધાવી હતી. આ ભારતીય રેકૉર્ડને તોડવા માટે કે. એલ. રાહુલ અને યશસ્વી જાયસવાલે આજે વધુ ૨૦ રનની પાર્ટનરશિપ કરવી પડશે. ઑસ્ટ્રેલિયા ટેસ્ટમાં ૨૦૦ રનની પાર્ટનરશિપ કરનારી ભારતીય ઓપનિંગ જોડી બનવાની પણ તેમની પાસે તક છે.