03 January, 2025 04:26 PM IST | Sydney | Gujarati Mid-day Online Correspondent
જસપ્રીત બુમરાહ (ફાઈલ તસવીર)
ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજાની સારી પાર્ટનરશિપ છતાં રેડ-હૉટ સ્કૉટ બોલેન્ડની શાનદાર બૉલિંગે ભારતને ઓછા સ્કોર પર અટકાવી દીધું, પણ પહેલા દિવસની રમતના છેલ્લા બૉલ પર કૅપ્ટન જસપ્રીત બુમરાહની વિકેટે ભારતના શુક્રવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ખુશ કરી દીધું. ઑસ્ટ્રેલિયાએ દિવસનો અંત ઉસ્માન ખ્વાજા 9 રન્સ પર એક વિકેટ ગુમાવીને કર્યો અને સેમ કોન્સ્ટાસ નોટઆઉટ રહ્યો.
સેમ કોન્સ્ટાસનું બુમરાહ સામે થવું ઑસ્ટ્રેલિયાને પડ્યું ભારે
પાંચમી ટેસ્ટના પહેલા દિવસના છેલ્લા બૉલ જે ઑસ્ટ્રેલિયાની ઈનિંગની ત્રીજી ઓવરનો છેલ્લો બૉલ હતો, તેના બરાબર પહેલા સેમ કૉન્સ્ટાસ ફરી એકવાર મેદાનમાં પંગો લેતો જોવા મળ્યો. પરંતુ આ વખતે, તે વિરાટ કોહલી નહીં પણ વિશ્વ ક્રિકેટના સૌથી ખતરનાક ફાસ્ટ બોલરમાંથી એક જસપ્રિત બુમરાહ હતો, હકીકતે, બુમરાહે દિવસનો છેલ્લો બૉલ ફેંકવા માટે દોડવાનું શરૂ કર્યું, પરંતુ ઉસ્માન ખ્વાજાએ સંકેત આપ્યો કે તે તૈયાર નથી. અને આ વાતચીતની વચ્ચે, સેમ કોન્સ્ટાસ બિનજરૂરી રીતે કૂદકો મારતો જોવા મળ્યો અને તે દરમિયાન મેદાન પરના અમ્પાયરે બચાવમાં આવીને મામલો શાંત પાડવો પડ્યો.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાતી બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીના પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચના પહેલા દિવસે માહોલ ગરમાયું હતું. આ સીરિઝમાં અત્યાર સુધી ઘણીવાર બન્ને ટીમના ખેલાડીઓ સામ-સામા આવી ગયા છે. આવું જ કંઈક સિડનીમાં પણ થયું જ્યારે રોહિત શર્માની જગ્યાએ કૅપ્ટનશિપ કરતા ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ સાથે સેમ કોન્સ્ટાસનો વિવાદ થયો.
ઑસ્ટ્રેલિયાએ આ મેચમાં બૉલિંગથી પોતાનું કામ બતાવ્યું છે અને ભારતની પહેલી ઈનિંગ 185 રન્સ પર ઑલઆઉટ કરી. ભારતીય ટીમે આ મેચ માટે પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કર્યા હતા. તેમાં ફૉર્મથી બહાર લાગતા કૅપ્ટન રોહિત શર્માને બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેમની જગ્યાએ શુભમન ગિલને તક આપવામાં આવી. તો, ઇજાગ્રસ્ત ફાસ્ટ બૉલર આકાશ દીપની જગ્યા પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યું.
આ રીતે શરૂ થયો વિવાદ
મેચ દરમિયાન માહોલ તે વખતે ગરમાયું જ્યારે ઑસ્ટ્રેલિયા ઈનિંગની ત્રીજી ઓવરમાં જસપ્રીત બુમરાહ પાંચમી વાર બૉલ ફેંકવા માટે રનઅપ લઈ રહ્યો હતો, પણ તેણે જોયું કે ખ્વાજા બૅટિંગ માટે તૈયાર નથી. આ મામલે બુમરાહે નારાજગી વ્યક્ત કરી અને ખ્વાજાને કંઇક કહેતો જોવા મળ્યો. તે સમયે નૉન સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા કોન્સ્ટાસે બુમરાહ તરફ જોઈને કંઈક બબડવાનું શરૂ કર્યું, આથી બુમરાહ ખૂબ જ ગુસ્સામાં કંઈક કહેતા કોન્સ્ટાસ તરફ આગળ વધી રહ્યો હતો, જો કે, અમ્પાયરે વચ્ચે આવીને બચાવ કર્યો અને કોન્સ્ટાસને બુમરાહ નજીક આવવા દીધો નહીં. કોન્સ્ટાસ અને બુમરાહ વચ્ચે વિવાદ થતો જોઈ દર્શકો જોર-જોરથી બરાડા પાડવા માંડ્યો અને જોત-જોતામાં માહોલ ગરમાયું.
બુમરાહે ખ્વાજા સામે લીધો બદલો
ગરમ માહોલ વચ્ચે બુમરાહે ઓવરનો અને દિવસનો છેલ્લો બૉલ ફેંક્યો અને ખ્વાજાની બેટની એડ્જ લાગતાં સ્લિપમાં ઊભા રહેલા કેએલ રાહુલ પાસે બૉલ ગયો. રાહુલે બૉલ કૅચ કર્યો અને ઉસ્માન ખ્વાજાને પવિલિયનનો રસ્તો બતાવ્યો. ખ્વાજાના આઉટ થવાની સાથે જ પહેલા દિવસની રમત સમાપ્તિની જાહેરાત કરવામાં આવી. જો કે, માહોલ અહીં શાંત થયો નહીં. જેવી ખ્વાજાની વિકેટ પડી વિરાટ કોહલી સહિત આખી ટીમ આક્રમક અંદાજમાં ઉજવણી કરવા માંડી, આ દરમિયાન વિરાટ કોહલી કોન્સ્ટાસના મોં સામે આવીને ખુશીથી બૂમો પાડતો જોવા મળ્યો. કોન્સ્ટાસ કંઈપણ કહ્યા વગર પવિલિયન તરફ જતો જોવા મળ્યો.
મેલબર્નમાં કોહલી સાથે વિવાદ થયો હતો
આ પહેલીવાર નથી જ્યારે 19 વર્ષીય કોન્સ્ટાસ ભારતીય ખેલાડીઓ સાથે મેચમાં ટકરાયા હોય. આ પહેલા તેની ડેબ્યુ મેચમાં કોહલી સાથે તેની બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. કોન્સટાસ તેની કારકિર્દીની પ્રથમ મેચમાં જ વિવાદોમાં ફસાઈ ગયો હતો, પરંતુ તે સમયે ICCએ કોહલી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને તેને મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો હતો. પરંતુ કોન્સ્ટાસે બીજી મેચમાં બુમરાહ સાથે અથડામણ કરી, તે પણ જ્યારે તેને આ બાબત સાથે કોઈ લેવાદેવા ન હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બુમરાહ અને ખ્વાજા વચ્ચે વાતચીત ચાલી રહી હતી, પરંતુ કોન્સ્ટાસ તેના ઉત્સાહમાં વચ્ચે કૂદી પડ્યો.