31 October, 2024 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ટેસ્ટ-કૅપ્ટન ટિમ પેઇન
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ટેસ્ટ-કૅપ્ટન ટિમ પેઇનની કૅપ્ટનસીમાં ઑસ્ટ્રેલિયાએ એની જ ધરતી પર ભારત સામે ૨૦૧૮-’૧૯ અને ૨૦૨૦-’૨૧ની ચાર-ચાર ટેસ્ટની બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) ૨-૧થી ગુમાવી હતી. તેણ ૨૦૨૦-’૨૧ની સિરીઝ માટે એક ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન આપ્યું હતું.
ટેસ્ટમાં બૅટ્સમેનોના અભિગમ વિશે વાત કરતાં ટિમ પેઇને કહ્યું હતું કે ‘ટેસ્ટ-મૅચ દરમ્યાન બૅટ્સમેનોએ થોડી વધુ મહેનત કરવી જોઈએ અને પિચ પર ટકી રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.
૨૦૨૦-’૨૧માં ઑસ્ટ્રેલિયા સામે ભારતની સિરીઝ જીતવામાં ચેતેશ્વર પુજારાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મને યાદ છે ઑસ્ટ્રેલિયામાં છેલ્લી સિરીઝમાં ઘણા લોકો રિષભ પંત વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ તેમને સિરીઝ જિતાડનાર વ્યક્તિ પુજારા હતો. પુજારાએ અમને થકવી દીધા હતા. તેની સામે અમારા ફાસ્ટ બોલર કંટાળી ગયા હતા. બૉલ તેના શરીર પર સતત અથડાતા રહ્યા, પરંતુ તે ઊભો જ રહ્યો. ટેસ્ટ ક્રિકેટમાં હજી પણ તેની જગ્યા છે.’
વર્તમાન BGT માટે બતાવી ભારતની આ નબળાઈ
ટિમ પેઇને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ગેરહાજરીને ભારત માટે મોટો ફટકો ગણાવ્યો હતો. જસપ્રીત બુમરાહ પર બોલિંગ યુનિટની વધારાની જવાબદારી હશે અને તે ઇન્જર્ડ થયો તો ભારત માટે સિરીઝ ત્યાં જ ખતમ થઈ જશે. ઑસ્ટ્રેલિયાની સરખામણીમાં ભારતની બૅટિંગ પણ નબળી દેખાઈ રહી છે.