17 January, 2025 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ લીગ ક્રિકેટના અત્યાર સુધીના કેટલાક શ્રેષ્ઠ પ્લેયર્સને એકસાથે લાવશે
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ (IML)ની પહેલી સીઝન માટેની નવી તારીખ અને વેન્યુ જાહેર થયાં છે. આયોજન વિશેની કેટલીક સમસ્યા અને કાયદાકીય બાબતોનું સમાધાન કર્યા બાદ આ લીગ હવે ફૅન્સના મનોરંજન માટે તૈયાર છે. ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પ્રથમ સીઝન બાવીસમી ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ સુધી નવી મુંબઈ, રાજકોટ અને રાયપુરમાં રમાશે.
નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ સ્ટેડિયમ, રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમ અને રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ IMLની મૅચોનું આયોજન કરવા તૈયાર છે. આ પહેલાં આ ટુર્નામેન્ટ ૨૦૨૪ની ૧૧ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર વચ્ચે મુંબઈ, લખનઉ અને રાયપુરમાં રમાવાની હતી. IMLના લીગ કમિશનર ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકર છે.
કેટલાક ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર આ લીગમાં ધમાલ મચાવતા જોવા મળશે જેમાં સચિન તેન્ડુલકર (ભારત), બ્રાયન લારા (વેસ્ટ ઇન્ડીઝ), કુમાર સંગાકારા (શ્રીલંકા), શેન વોટ્સન (ઑસ્ટ્રેલિયા), ઇયોન મૉર્ગન (ઇંગ્લૅન્ડ) અને જૅક કૅલિસ (સાઉથ આફ્રિકા) પોતપોતાના દેશની ટીમનું નેતૃત્વ કરશે. આ લીગ ક્રિકેટના અત્યાર સુધીના કેટલાક શ્રેષ્ઠ પ્લેયર્સને એકસાથે લાવશે.