18 November, 2023 02:06 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બુધવારે વાનખેડેમાં મોહમ્મદ શમીએ ઐતિહાસિક પર્ફોર્મન્સમાં જે ૭ વિકેટ લીધી એને સેલિબ્રેટ કરતી તસવીરો. પી.ટી.આઇ.
મોહમ્મદ શમી ૧૫ નવેમ્બરે વાનખેડેમાં ન્યુ ઝીલૅન્ડ સામેની સેમી ફાઇનલમાં અભૂતપૂર્વ તરખાટ મચાવીને વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં ૭ વિકેટ (૯.૫-૦-૫૭-૭) લેનારો વિશ્વનો પ્રથમ બોલર તો બન્યો જ હતો, એક વન-ડે મૅચમાં ૭ શિકાર કરનારો તે પ્રથમ ભારતીય પણ બન્યો છે, કારણ કે તેણે એ સાથે સ્ટુઅર્ટ બિન્નીનો બંગલાદેશ સામેની મૅચનો ૪ રનમાં ૬ વિકેટનો ૯ વર્ષ જૂનો ભારતીય વિક્રમ પણ તોડ્યો હતો.
બુધવારે વાનખેડેમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનાર શમી વર્લ્ડ કપમાં ચોથી વખત મૅચમાં પાંચ કે વધુ વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ બોલર તેમ જ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપે (સૌથી ઓછી ૧૭ મૅચમાં) ૫૦ વિકેટ લેનારો ફાસ્ટેસ્ટ બોલર પણ બન્યો હતો અને એ સહિતના બીજા ઘણા વિક્રમ પોતાના નામે કરનાર શમીએ ગઈ કાલે પોતાની બોલિંગની બાબતમાં નિખાલસપણે પ્રતિક્રિયા આપી હતી.
આ વખતના વર્લ્ડ કપમાં ફક્ત ૬ મૅચમાં સૌથી વધુ ૨૩ વિકેટ લેનાર શમીએ ગઈ કાલે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘મારી બોલિંગમાં અસાધારણ જેવું કંઈ નથી. હું હંમેશાં પરિસ્થિતિને અને પિચ કેવી છે એને ધ્યાનમાં રાખું છું. બૉલ સ્વિંગ થશે કે નહીં એ ચકાસું અને જો ન થાય તો સ્ટમ્પ-ટુ-સ્ટમ્પ બૉલ ફેંકવાનો પ્રયત્ન કરું છું. હું ખાસ એવા એરિયામાં બૉલ ફેંકવાનો પ્રયત્ન કરું છું જેમાં શૉટ મારવા જતાં બૅટરના બૅટની એજ લાગી શકે અને કૅચ ચડી શકે. આવો એકેય પ્રયત્ન હું નથી છોડતો. ખાસ તો બૉલ કેવી રીતે અને કેટલો મુવ થઈ શકે એ લક્ષમાં રાખું છું.’
ભારત આ વર્લ્ડ કપની તમામ ૧૦ મૅચ જીત્યું છે. શરૂઆતની ૪ મૅચમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પેસ બોલિંગનો ટીમને લાભ મળ્યો હતો. જોકે ઈજા પામ્યા બાદ તે નહોતો રમ્યો અને શમીને આ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમવા મળ્યું હતું. ૬ મૅચમાં શમીના પર્ફોર્મન્સ આ મુજબના છે ઃ ૫૪માં પાંચ, બાવીસમાં ચાર, ૧૮માં પાંચ, ૧૮માં બે, ૪૧માં એકેય નહીં અને ૫૭ રનમાં ૭ વિકેટ.