મહિલા ક્રિકેટમાં ફિક્સિંગથી ફફડાટ

16 February, 2023 02:29 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

ઢાકાની ચૅનલે બંગલાદેશની બે વિમેન ક્રિકેટર વચ્ચેનું સ્પૉટ-ફિક્સિંગ વિશેનું ઑડિયો રેકૉર્ડિંગ પ્લે કરતાં જ મચ્યો ખળભળાટ

બંગલાદેશની બૅટર લતા મૉન્ડલે સ્પૉટ-ફિક્સિંગ માટે પોતાનો અપ્રોચ થયો હોવાનો આક્ષેપ કર્યો છે.

મેન્સ ક્રિકેટમાં મૅચ-ફિક્સિંગ અને સ્પૉટ-ફિક્સિંગનું વ્યાપક દૂષણ મોટા ભાગે અંકુશમાં આવી ગયું હોય એવું લાગી રહ્યું છે ત્યાં હવે વિમેન્સ ક્રિકેટમાં ફિક્સિંગની ચહલપહલ શરૂ થઈ હોવાનું મનાય છે.
સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં સ્પૉટ-ફિક્સિંગના આક્ષેપથી ક્રિકેટપ્રેમીઓમાં ફફડાટ ફેલાયો છે. બંગલાદેશની ટીમને સ્પર્શતો આ બનાવ છે, જેમાં બંગલાદેશની એક ક્રિકેટરે સ્પૉટ-ફિક્સિંગ માટે પોતાનો સંપર્ક બંગલાદેશની જ બીજી ક્રિકેટરે કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. વિશ્વકપમાં બંગલાદેશની ટીમ ગ્રુપ-૧માં પોતાની બન્ને મૅચ હારી ગઈ છે. શ્રીલંકા સામે એનો ૭ વિકેટે અને ઑસ્ટ્રેલિયા સામે ૮ વિકેટે પરાજય થયો હતો.

ઢાકાની ‘જમુના ટીવી’ ચૅનલ પર જે બે બંગલાદેશી મહિલા ક્રિકેટરો વચ્ચેની કથિત વાતચીતનું ઑડિયો રેકૉર્ડિંગ પ્રસારિત કરાયું એમાંની એક ખેલાડી સાઉથ આફ્રિકામાં રમાતા વિમેન્સ વર્લ્ડ કપની બંગલાદેશની ટીમની છે. બીજી ખેલાડી બંગલાદેશમાં હતી અને તેણે એક વ્યક્તિ વતી બંગલાદેશથી ફોન પર સાઉથ આફ્રિકામાંની બંગલાદેશી ખેલાડી સાથે વાતચીત કરી હોવાનું મનાય છે.

બંગલાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ નિઝામુદ્દીન ચૌધરી બોર્ડ વતી ઇચ્છે છે કે આક્ષેપ કરનાર ખેલાડી સંપૂર્ણ વિગત આઇસીસી સાથે સંકળાયેલી ઍન્ટિ-કરપ્શન યુનિટને કહી દે.

કોણે આક્ષેપમાં કોનું નામ લીધું?

કેટલાક અહેવાલ મુજબ વર્લ્ડ કપમાં રમી રહેલી લતા મૉન્ડલ નામની પ્લેયરે સ્પૉટ-ફિક્સિંગ માટે પોતાને પૈસા ઑફર કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે. મૉન્ડલનો આ માટે શોહેલી અખ્તરે સંપર્ક કર્યો હોવાનું મનાય છે. જોકે મૉન્ડલે શોહેલીની ઑફર તાબડતોબ નકારી કાઢી હતી.

બંગલાદેશની બે મહિલા ક્રિકેટર વચ્ચે શું વાતચીત થઈ હતી?

(૧) ઑડિયો રેકૉર્ડિંગમાંની કથિત વાતચીત મુજબ બંગલાદેશમાંની મહિલા ક્રિકેટરે સાઉથ આફ્રિકામાં વર્લ્ડ કપ રમતી બંગલાદેશની ક્રિકેટરને કહ્યું, ‘હું તને કોઈ પ્રકારનું દબાણ નથી કરી રહી. તું ઇચ્છે તો રમી શકે છે. મેં તને કહ્યુંને કે આ વખતે તું રમી શકે છે અને નહીં રમે તો પણ ચાલશે. તારે કઈ મૅચ રમવી છે એ તું જ નક્કી કર. એક મૅચમાં તું સારું રમી એટલે હવે બીજી મૅચમાં રમે કે ન રમે, તારે નિર્ણય લેવાનો છે. ટીમ-મૅનેજમેન્ટ તને એ પ્રમાણે કરવા દેશે.’

(૨) સાઉથ આફ્રિકાથી બંગલાદેશી મહિલા ક્રિકેટરે જવાબ આપ્યો હતો કે ‘નહીં દોસ્ત, જરાય નહીં. હું આવી બધી બાબતોમાં ક્યારેય નહીં ઝુકાવું. પ્લીઝ, તું મને આવી બધી વાતો ન કર. તું ઇચ્છે છે એવું હું કદી નહીં કરું. ફરી તને વિનંતી કરું છું.’

sports sports news cricket news t20 world cup t20 international bangladesh sri lanka spot fixing