16 November, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રોફી
આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમવા જવાની ભારતે સ્પષ્ટ ના પાડી દીધી હોવાથી એને લઈને વાદવિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભારત તરફથી પાડોશી દેશને વધુ એક ઝટકો મળ્યો હતો.
પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અધ્ધરતાલ હોવા છતાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગુરુવારે ટ્રોફી ઇસ્લામાબાદ મોકલી હતી. પાકિસ્તાન સરકારે આ ટ્રોફીને આજથી ૨૪ નવેમ્બર સુધી આખા દેશમાં ફેરવવાનો પ્લાન બનાવ્યો છે. જોકે એમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ની પણ ત્રણ જગ્યા હોવાથી ભારતે એની સામે વાંધો લીધો હતો. ICCએ ભારતના વિરોધની નોંધ લઈને પાકિસ્તાનને ટ્રોફી PoK નહીં લઈ જવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનની ઇચ્છા PoKના સ્કાર્દુ, મુર્રી અને મુઝફ્ફરાબાદ શહેરમાં ટ્રોફીને લઈ જવાની હતી.
આ સાથે ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે આ વાતની પણ સ્પષ્ટતા કરી દીધી છે કે ટ્રોફી મોકલવાનો અર્થ એ નથી થતો કે હવે ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં જ થશે, આ તો યજમાન હોવાને કારણે ટ્રોફીની પાકિસ્તાનમાં ઑફિશ્યલ ટૂર છે.
પાકિસ્તાને તૈયાર કરેલા શેડ્યુલ મુજબ ચૅમ્પિયન્સ ટ્રોફીની તમામ મૅચ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં થવાની હોવાથી ટ્રોફીને આ ત્રણ શહેરમાં ફેરવવામાં નહીં આવે. આવતા વર્ષે ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે.