કિંગ કોહલી ટી૨૦માં ૪૦૦૦ રન બનાવનારો પ્રથમ ખેલાડી

11 November, 2022 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં બીજા નંબરે રોહિત અને ત્રીજે ગપ્ટિલ : વિરાટે ઍડીલેડમાં લારાનો રેકૉર્ડ તોડ્યો

વિરાટ કોહલી

ટી૨૦ના વર્લ્ડ કપમાં ટી૨૦ ઇન્ટરનૅશનલ્સની નંબર-વન ટીમ ભારતનો ગઈ કાલે સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે કારમો પરાજય થયો, પરંતુ વિરાટ કોહલીએ એ મૅચમાં કેટલીક સિદ્ધિઓ મેળવી હતી. તે ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં ૪૦૦૦ રન પૂરા કરનારો વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે. તે ટી૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં ૧૧૦૦ રન પૂરા કરનારો પણ પહેલો ખેલાડી છે અને તેણે ઑસ્ટ્રેલિયાના ઍડીલેડમાં સૌથી વધુ રન બનાવનાર નૉન-ઑસ્ટ્રેલિયન ખેલાડીઓમાં બ્રાયન લારાનો અત્યાર સુધી જે રેકૉર્ડ હતો એ તોડ્યો છે. ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં સૌથી વધુ રન-મેકર કોહલીના ૪૦૦૮ રન છે. રોહિત શર્મા ૩૮૫૩ રન સાથે બીજા નંબરે અને ન્યુ ઝીલૅન્ડનો માર્ટિન ગપ્ટિલ ૩૫૩૧ રન સાથે ત્રીજે છે. એ.એન.આઇ.ના અહેવાલ મુજબ ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામેની સેમી ફાઇનલમાં ૪૦ બૉલમાં ૫૦ રન બનાવનાર કોહલીએ ઍડીલેડ ઓવલમાં કુલ ૧૫ ઇનિંગ્સમાં ૯૫૭ રન બનાવ્યા છે અને તેની બૅટિંગ-ઍવરેજ ૭૩.૬૧ છે. લારાએ આ જ મેદાન પર ૧૫ ઇનિંગ્સમાં ૬૭.૧૪ની સરેરાશે કુલ ૯૪૦ રન બનાવ્યા હતા.  કોહલીની પાંચ સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી સામે લારાની ત્રણ સદી અને ત્રણ અડધી સદી છે. જોકે ઍડીલેડમાં ઑસ્ટ્રેલિયન ખેલાડીઓમાંથી સૌથી વધુ રન રિકી પૉન્ટિંગના છે. તેણે ૪૬ ઇનિંગ્સમાં ૫૩.૩૬ની સરેરાશે ૨૧૮૮ રન બનાવ્યા છે.

sports sports news t20 world cup virat kohli cricket news