શંકાસ્પદ કૅચ માટેના અમ્પાયરના વિવાદાસ્પદ સૉફ્ટ-સિગ્નલ હવે બંધ

16 May, 2023 10:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હાઈ-રિસ્કની પોઝિશનમાંના દરેક પ્લેયર માટે હવેથી હેલ્મેટ ફરજિયાત

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

હવેથી ઑન-ફીલ્ડ અમ્પાયરો શંકાસ્પદ કૅચ વિશેનો નિર્ણય ટીવી-અમ્પાયર પર છોડતી વખતે તેમને સૉફ્ટ-સિગ્નલનો સંકેત નહીં આપે અને એને બદલે માત્ર સિમ્પલ સંકેતથી તેમનો સંપર્ક કરશે. આઇસીસીએ ફેરફાર કરેલા કેટલાક નિયમો ૧ જૂનથી અમલી બનશે. આઇપીએલ દ્વારા ૨૦૨૧માં જ સૉફ્ટ-સિગ્નલ અપનાવવાનું બંધ કર્યું હતું. સૌરવ ગાંગુલીની આગેવાનીમાં આઇસીસીની મેન્સ ક્રિકેટ કમિટીને શંકાસ્પદ અને પછીથી વિવાદાસ્પદ બની શકે એવા કૅચમાં સૉફ્ટ-સિગ્નલની કોઈ જરૂર જ નહોતી લાગતી એટલે એણે એ નિયમ કાઢી નાખવાની ભલામણ કરી હતી, જેને મહિલાઓની કમિટીએ સમર્થન આપ્યું અને પછી આઇસીસીની ચીફ એક્ઝિક્યુટિવની સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. કૅચ પકડાયો કે જમીનને અડી ગયો એ વિશેનો નિર્ણય લેવા મેદાન પરના અમ્પાયર ટીવી-અમ્પાયરને સૉફ્ટ-સિગ્નલનો સંકેત કરતા હતા અને એ સંકેત કરતાં પહેલાં અમ્પાયર ‘આઉટ’ કે નૉટ આઉટ’નો સંકેત આપતા હતા. જોકે થર્ડ અમ્પાયરે સૉફ્ટ સિગ્નલને પુષ્ટિ આપવી પડતી હતી, કારણ કે મોટા ભાગનાં ફુટેજ અનિર્ણીત બની રહેતાં હતાં. હાઈ-રિસ્કવાળી પોઝિશનમાંના ખેલાડી માટે હેલ્મેટ ફરજિયાત છે. બૅટરે જો ફાસ્ટ બોલરનો સામનો કરવાનો હોય, વિકેટકીપર સ્ટમ્પની નજીક ઊભો હોય અને ફીલ્ડર જો બૅટરની નજીક હોય તો તેણે હેલ્મેટ પહેરવી જ પડશે.

sports news sports cricket news international cricket council