17 January, 2023 08:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) મંગળવારે (17 જાન્યુઆરી) અચાનક ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ હતી. આ જોઈને બધાને નવાઈ લાગી. રેન્કિંગ જોઈને ભારતીય ચાહકો ખુશ હતા, પરંતુ તેમની ખુશી અલ્પજીવી રહી. ICCએ સાડા ત્રણ કલાક પછી જ ભારતને પ્રથમ સ્થાનેથી હટાવી દીધું. જ્યારે આ બન્યું, ત્યારે લોકોએ શોધવાનું શરૂ કર્યું કે કેવી રીતે ટીમ ઈન્ડિયા થોડા સમય માટે ટોચ પર પહોંચી ગઈ. આ કિસ્સામાં જે સ્પષ્ટ થયું છે તે ખરેખર જાણવા જેવી બાબત છે.
હકીકતે આ બધી ગતાગમ થઈ હતી આઈસીસીની ભૂલને કારણે. બન્યું એવું કે, ઓસ્ટ્રેલિયાને 126 પોઈન્ટ આપવાને બદલે ICCએ 111 રેટિંગ પોઈન્ટ આપ્યા હતા. આ સાથે જ ભારતને 115 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. જેના કારણે કાંગારૂ ટીમ બીજા સ્થાને સરકી ગઈ હતી. 17 જાન્યુઆરીએ સવારે આઠ વાગ્યે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સ્થાને હતી. ભારત બપોરે 1:30 વાગ્યે પ્રથમ સ્થાને પહોંચ્યું હતું. તે જ સમયે, જ્યારે ICCએ સાંજે 4:00 વાગ્યે ભૂલ સુધારી, ઓસ્ટ્રેલિયા ફરીથી ટોચ પર આવી ગયું.
ટેસ્ટમાં ભારત બની શકે છે નંબર-1
ભારતીય ટીમ જલ્દી જ પ્રથમ સ્થાન મેળવી શકે છે. તેને ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. જો ટીમ ઈન્ડિયા સિરીઝ 2-0 અથવા 3-1થી જીતે છે તો તે ટેસ્ટમાં ટોચ પર પહોંચી શકે છે.
જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ 3-0થી જીતે છે અને પછી ટી20 શ્રેણી કોઈપણ અંતરથી જીતે છે અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પણ જીતે છે તો ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની જશે.
આ પણ વાંચો : વિમેન્સ આઇપીએલની એક મૅચના બીસીસીઆઇને મળશે ૭.૦૯ કરોડ રૂપિયા
ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝનું ટાઈમટેબલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં, ત્રીજી ટેસ્ટ 1 માર્ચથી ધર્મશાલામાં અને ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ પછી ત્રણ વનડે પણ રમશે. પ્રથમ ODI 17 માર્ચે મુંબઈમાં, બીજી ODI 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી ODI 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.