11 December, 2024 10:45 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલનો લોગો
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અમેરિકાની નૅશનલ ક્રિકેટ લીગ (NLC) પર પ્રતિબંધ મૂક્યો છે. ICCએ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા ક્રિકેટ (USAC)ને લેટર લખીને લીગની આગામી સીઝનને મંજૂરી ન આપવાના નિર્ણયની જાણ કરી હતી. NCLની પ્રથમ સીઝન ચારથી ૧૪ ઑક્ટોબરની વચ્ચે યોજાઈ હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રૉબિન ઉથપ્પાની કૅપ્ટન્સીવાળી શિકાગો ટીમે ઍટલાન્ટા કિંગ્સને ૪૩ રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
આ લીગમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, દિનેશ કાર્તિક અને પાકિસ્તાનના અનુભવી ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ભાગ લીધો હતો. સચિન તેન્ડુલકર અને સુનીલ ગાવસકર ઓનર્સ ગ્રુપના ભાગ હતા, જ્યારે વસીમ અકરમ અને વિવિયન રિચર્ડ્સ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવ્યા હતા.
T10 ફૉર્મેટમાં કયા નિયમોનું ઉલ્લંઘન થયું?
નિયમો અનુસાર દરેક ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ઓછામાં ઓછા ૭ અમેરિકન પ્લેયર્સ હોવા જોઈએ, પરંતુ ઘણી મૅચમાં ટીમ દ્વારા ૬-૭ વિદેશી પ્લેયર્સને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ડ્રૉપ-ઇન પિચ ખૂબ જ નબળી હતી. લીગના અધિકારીઓએ વિદેશી પ્લેયર્સને તક આપવા માટે ઇમિગ્રેશનના નિયમો તોડ્યા હતા. અમેરિકામાં સ્પોર્ટ્સ કૅટેગરીના વીઝા માટે, ૬ ટીમો માટે ઓછામાં ઓછા બે લાખ અમેરિકન ડૉલરનો ખર્ચ થાય છે. ઘણા પ્લેયર્સ પૈસા બચાવવા માટે સ્પોર્ટ્સ વીઝા દ્વારા આવ્યા નહોતા.