22 February, 2023 12:31 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દીપક ચાહર
૩૦ વર્ષનો ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર દીપક ચાહર પોણાપાંચ વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅર દરમ્યાન માત્ર ૩૭ મૅચ રમ્યો છે અને ગયા વર્ષની આખી આઇપીએલમાં નહોતો રમી શક્યો એનું મુખ્ય કારણ એ છે કે તેને ઈજાનું ગ્રહણ વારંવાર લાગ્યું છે. ૧૪ મહિનાથી તે બે પ્રકારની ઈજાને કારણે નથી રમી શક્યો, પરંતુ હવે પૂરોપૂરો ફિટ છે અને પાછો મેદાન પર આવવા ઉત્સુક છે.ચેન્નઈ સુપર કિંગ્સે ચાહરને ગયા વર્ષે ૧૪ કરોડ રૂપિયામાં મેળવ્યો હતો, પરંતુ તે નહોતો રમી શક્યો.
સ્ટ્રેસ ફ્રૅક્ચર, સાથળની ઈજા
ચાહરને ગયા વર્ષે પહેલાં સ્ટ્રેસ ફ્રૅક્ચર નડ્યું અને પછી સાથળની ઈજાએ પજવ્યો. ૪૫ ઇન્ટરનૅશનલ વિકેટ લેવા ઉપરાંત ૨૫૦-પ્લસ રન બનાવી ચૂકેલા ચાહરે ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘ત્રણ મહિનાથી મેં ફિટનેસ સુધારવા તનતોડ મહેનત કરી છે. હવે ફુલ્લી ફિટ છું અને ૩૧ માર્ચે શરૂ થનારી આઇપીએલ શરૂ થાય એની રાહ જોઈ રહ્યો છું. હું જો માત્ર બૅટર હોત તો ઘણા મહિના પહેલાં જ મેદાન પર કમબૅક કરી શક્યો હોત, પણ હું ખાસ તો ફાસ્ટ બોલર છું એટલે સ્ટ્રેસ ફ્રૅક્ચર જેવી તકલીફમાં મેદાન પર કમબૅક કરવું કઠિન થઈ જાય. તમે જાણતા જ હશો કે કેટલાક ફાસ્ટ બોલર્સ અત્યારે પીઠની ઈજાથી પરેશાન છે.’
રણજીમાં એક મૅચ રમ્યો
ડોમેસ્ટિક ક્રિકેટમાં રાજસ્થાન વતી રમતો ચાહર ગયા મહિને રણજી ટ્રોફીમાં રમ્યો હતો, પરંતુ તેને એક જ મૅચ રમવા મળી હતી.