04 September, 2024 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન
ભારતના અનુભવી ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને હાલમાં રવીન્દ્ર જાડેજાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે જો ટેસ્ટ-મૅચમાં પ્લેઇંગ-ઇલેવન માટે માત્ર રવીન્દ્ર જાડેજાની પસંદગી કરવામાં આવે તો એમાં જાડેજાનો વાંક નથી.
એક પૉડકાસ્ટમાં અશ્વિને કહ્યું હતું કે ‘આ મારી સમસ્યા છે, એ રવીન્દ્ર જાડેજાની સમસ્યા નથી. મારો મતલબ એ છે કે જો હું પ્લેઇંગ-ઇલેવનમાં ન હોઉં તો એમાં જડ્ડુનો નહીં, પણ મારો દોષ છે. આ પછી હું વિચારું છું કે હું કેવી રીતે વધુ સારો બની શકું. ટીમમાંથી મારા બહાર થવા માટે હું જાડેજાને જવાબદાર ઠેરવી શકું નહીં. હું જાડેજાને કિડનૅપ કરીને તેને ઘરે નહીં રાખી શકું. ઈર્ષ્યા કરવા જેવું કંઈ નથી. એક ટીમમાં માત્ર ૧૧ લોકો જ રમી શકે છે.’
૩૭ વર્ષના અશ્વિને માર્ચ ૨૦૨૪માં ઇંગ્લૅન્ડ સામે છેલ્લી ટેસ્ટ-મૅચ, ઑસ્ટ્રેલિયા સામે ઑક્ટોબર ૨૦૨૩માં છેલ્લી વન-ડે મૅચ અને નવેમ્બર ૨૦૨૨માં છેલ્લી T20 ઇન્ટરનૅશનલ મૅચ ઇંગ્લૅન્ડ સામે રમી હતી.