12 December, 2024 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જો રૂટ, હૅરી બ્રુક
ઇંગ્લૅન્ડના પચીસ વર્ષના બૅટર હૅરી બ્રુકે ICC ટેસ્ટ-રૅન્કિંગ્સમાં તેના સિનિયર સાથી પ્લેયર જો રૂટના શાસનનો અંત લાવ્યો છે. નવા ICC રૅન્કિંગ્સમાં હૅરી બ્રુક નંબર વન ટેસ્ટ-બૅટર બન્યો છે, જ્યારે ભારતના જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ અનુક્રમે બોલર્સ અને ઑલરાઉન્ડરના લિસ્ટમાં પહેલું સ્થાન જાળવી રાખ્યું છે.
હૅરી બ્રુકે (૮૯૮ પૉઇન્ટ) માત્ર એક પૉઇન્ટ વધુ મેળવીને જો રૂટ (૮૯૭ પૉઇન્ટ)ને આ રેસમાં પછાડ્યો છે. આ લિસ્ટમાં ટૉપ-ટેનમાં ભારતીય ટીમમાંથી યશસ્વી જાયસવાલ (ચોથા ક્રમે) અને રિષભ પંત (નવમા ક્રમે) છે. ઑસ્ટ્રેલિયાનો ટ્રૅવિસ હેડ છ સ્થાનના ફાયદા સાથે આ લિસ્ટમાં પાંચમા ક્રમે પહોંચ્યો છે. વિરાટ કોહલી છ સ્થાનના નુકસાન સાથે વીસમા અને રોહિત શર્મા પાંચ સ્થાન ગુમાવીને એકત્રીસમા ક્રમે છે.
જસપ્રીત બુમરાહે ૮૯૦ રેટિંગ પૉઇન્ટ સાથે ટેસ્ટ-બોલરોના રૅન્કિંગ્સમાં ટૉપ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળવા છતાં રવીન્દ્ર જાડેજા ૪૧૫ રેટિંગ પૉઇન્ટ સાથે ઑલરાઉન્ડરના ટેસ્ટ-રૅન્કિંગ્સમાં પણ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.