હરમનપ્રીત અને સ્મૃતિ વચ્ચે નંબર વન T20 ઇન્ટરનૅશનલ બૅટર બનવાનો જંગ શરૂ થયો

22 July, 2024 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના હવે કૅપ્ટન હરમનપ્રીત કૌરથી ૩૭ રન પાછળ છે

હરમનપ્રીત કૌર

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌર ૩૪૧૫ રન સાથે T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રન બનાવનારી પ્રથમ બૅટર બની ગઈ છે. UAE સામે ૧૩ રન બનાવનાર સ્મૃતિ માન્ધના (૩૩૭૮ રન) આ મૅચ પહેલાં નંબર-વન બૅટર હતી. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના હવે કૅપ્ટન હરમનપ્રીત કૌરથી ૩૭ રન પાછળ છે.

ભારતીય વિમેન્સના T20 ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર સ્કોર થયો ૨૦૦ પાર : વિમેન્સ એશિયા કપનો હાઇએસ્ટ સ્કોર ફટકારીને કૅપ્ટન હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સેમી ફાઇનલમાં સ્થાન પાકું કર્યું

વિમેન્સ T20 એશિયા કપ 2024માં ગઈ કાલે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ને ૭૮ રને હરાવીને ભારતીય વિમેન્સ ટીમે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. ભારતીય ટીમે પહેલાં બૅટિંગ કરીને પાંચ વિકેટે ૨૦૧ રન ફટકાર્યા હતા. જવાબમાં UAEની ટીમ સાત વિકેટે ૧૨૩ રન બનાવીને હારી ગઈ હતી. ૨૨૦.૬૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરનાર રિચા ઘોષ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.

કૅપ્ટન હરમનપ્રીત કૌર (૬૬ રન) અને રિચા ઘોષ (૬૪ રન)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી T20 ક્રિકેટ ઇતિહાસમાં ભારતીય વિમેન્સ ટીમે પહેલી વાર ૨૦૦ પ્લસ સ્કોર કર્યો હતો. આ પહેલાં ૧૯૮ રનનો હાઇએસ્ટ સ્કોર ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે ફટકાર્યો હતો. આ વિમેન્સ T20 એશિયા કપના ઇતિહાસનો પણ હાઇએસ્ટ અને પહેલો ૨૦૦ પ્લસ સ્કોર હતો. બીજી ઇનિંગ્સમાં ભારતની પાંચેય બોલરે સમયાંતરે વિકેટ લઈને ભારતની ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આવતી કાલે ૨૩ જુલાઈએ ભારતીય ટીમ અંતિમ ગ્રુપ સ્ટેજ મૅચ નેપાલ સામે રમશે. 

indian womens cricket team harmanpreet kaur smriti mandhana cricket news sports sports news