14 August, 2024 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હાર્દિક પાંડ્યા અને જાસ્મિન વાલિયાની તસવીરોનો કૉલાજ
સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા ઘણાં સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. પહેલા પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા, પછી અનન્યા પાંડેને ડેટ કરવાના સમાચાર આવ્યા હતા. હવે તાજેતરના સમાચાર એ છે કે હાર્દિક હાલ જાસ્મિન વાલિયા સાથે છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક હવે જાસ્મિનને ડેટ કરી રહ્યા છે અને બન્ને સાથે રજાઓ મનાવવા માટે ગ્રીસ પણ ગયા હતા.
જાસ્મિન વાલિયા એક બ્રિટિશ સિંગર અને ટીવી સ્ટાર છે, જેની ચર્ચા મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીથી માંડીને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ હોય છે. લંડનના એસેક્સમાં જન્મેલી જાસ્મિનના માતા-પિતા ભારતીય મૂળના છે. બ્રિટિશ રિયાલિટી ટીવી સિરીઝ `ધ ઓનલી વે ઇઝ એસેક્સ`નો ભાગ બન્યા બાદ જાસ્મિને પહેલી વાર વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. તેણે વર્ષ 201માં શૉમાં એક `એક્સ્ટ્રા` તરીકે શરૂઆત કરી હતી, પણ વર્ષ 2012 સુધી તે શૉની લીડ એક્ટ્રેસ બની ગઈ. આ શૉ દ્વારા જાસ્મિનને એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ઓળખ મળી.
શૉ બાદ જાસ્મિને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું અને વર્ષ 2014માં પોતાની યૂટ્યૂબ ચેનલ લૉન્ચ કરી. જાસ્મિન ચેનલ પર બીજા ગીત ગાઈને પોતાનું ટેલેન્ટ બતાવી રહી હતી. તેણે જેક નાઈટ, ઈન્ટેન્સ-ટી અને ગ્રીન મ્યૂઝિક સાથે સહયોગ કર્યો અને પછી વર્ષ 2017માં `બૉડ ડિઝી` સાથે તેને સૌથી મોટો બ્રેક મળ્યો. જાસ્મિને પહેલીવાર જેક નાઈટ સાથે પરફૉર્મ કર્યું અને તેમની લોકપ્રિયતા ત્યારે વધી ગઈ જ્યારે વર્ષ 2018માં બૉલિવૂડ ફિલ્મ `સોનૂ કે ટીટૂ કી સ્વીટી` માટે `બમ ડિગી ડિગી બમ` ગીતનું રીમેક બનાવવામાં આવ્યું.
વર્ષ 2022માં જાસ્મિન વાલિયાએ `બિગ બૉસ-13`ના ફાઈનલિસ્ટ આસિમ રિયાઝ સાથે `નાઈટ્સ એન ફાઈટ્સ` નામે એક મ્યૂઝિક વીડિયો કર્યો હતો. તેમની ઑનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પૉપ્યુલર હતી. વીડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમણે `ટાઈમ્સ સ્ક્વેર`ના હૉર્ડિંગ પર પણ સ્થાન મળ્યું. જાસ્મિન એક સોશિયલ મીડિયા સેન્સેશન છે, માત્ર ઈન્સ્ટાગ્રામ પર તેના 6.4 લાખ ફૉલોઅર્સ છે. જાસ્મિનના યૂટ્યૂબ પર 5.7 લાખ સબ્સ્ક્રાઈબર્સ છે. તે ઘણીવાર પોતાની બોલ્ડ અને સેન્સેશનલ તસવીરો પોસ્ટ કરે છે, જે વાયરલ થાય છે.
નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ તેના દીકરા અગસ્ત્યના બર્થ-ડે પર ક્યુટ વિડિયો શૅર કરીને ઇમોશનલ પોસ્ટ કરી હતી. દીકરા સાથેની મસ્તીની ક્ષણોને યાદ કરીને તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે ‘તું મને દરરોજ આગળ વધવામાં મદદ કરે છે. મારા ક્રાઇમ પાર્ટનરને જન્મદિવસની શુભકામનાઓ. મારું દિલ, મારા અગુ, હું તને આ શબ્દોથી વધુ પ્રેમ કરું છું.’
હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની જાહેરાતના એક દિવસ પહેલાં નતાશા સ્ટૅનકોવિચ દીકરા અગસ્ત્યને તેના દેશ સર્બિયા લઈ ગઈ હતી. બન્ને અગસ્ત્યના કો-પેરન્ટ બની રહેશે અને તેનો ખર્ચ સાથે ઉપાડશે.