11 January, 2023 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતી બૅટર દેવાંશ ત્રિવેદીની સદીથી બોરીવલીની એસવીઆઇએસે ગાઇલ્સ શીલ્ડ ટ્રોફી રિટેન કરી
બોરીવલી-વેસ્ટની સ્વામી વિવેકાનંદ ઇન્ટરનૅશનલ સ્કૂલ (એસવીઆઇએસ)એ સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં અન્ડર-14 બૉય્સ કૅટેગરીનું ગાઇલ્સ શીલ્ડ ટાઇટલ જાળવી રાખ્યું હતું અને સ્કૂલની ટીમને આ સિદ્ધિ અપાવવામાં આઠમા ધોરણમાં ભણતા લેફ્ટ હૅન્ડ બૅટર દેવાંશ ત્રિવેદીનું મોટું યોગદાન હતું. બાંદરાની આઇઈએસ ન્યુ ઇંગ્લિશ સ્કૂલ સામેની ફાઇનલમાં તેણે ૧૩૯ રન બનાવ્યા હતા અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો. તેના સાથી-બૅટર યુગ અસોપાએ ફાઇનલમાં ૧૦૭ રન બનાવ્યા હતા. ૨૭૭ રનના તોતિંગ માર્જિનથી ફાઇનલ જીતનાર એસવીઆઇએસ આ પહેલાં ૨૦૧૯-’૨૦માં આ સ્પર્ધા જીતી હતી અને એ અગાઉ ૨૦૦૫-’૦૬માં પણ વિજેતા થઈ હતી. આ વખતની આખી ટુર્નામેન્ટમાં દેવાંશના કુલ ૫૯૦ રન હતા અને બેસ્ટ બૅટરનો અવૉર્ડ પણ જીત્યો હતો. દહિસર સ્પોર્ટ્સ ક્લબના પ્રવીણ ગોગરી અને એસવીઆઇએસ સ્કૂલના કોચ દિનેશ લાડના માર્ગદર્શનમાં તૈયાર થઈ રહેલા ઔદીચ્ય સહસ્ર બસિયા જ્ઞાતિના દેવાંશે સ્થાનિક સ્તરે અનેક મૅચોમાં સદી ફટકારી છે. એમાં ડ્રીમ XI કપ અન્ડર-14 સિલેક્શન ટુર્નામેન્ટમાં સચિન તેન્ડુલકર XI વતી ફટકારેલી સેન્ચુરી (૧૦૦ રન, ૧૨૩ બૉલ, ૧૦ ફોર) અને અજિત નાઇક મેમોરિયલ અન્ડર-14 સિલેક્શન ટ્રાયલ્સમાં નોંધાવેલી સદી (૧૫૮ અણનમ) મુખ્ય છે.
બાંદરાની સ્કૂલે ૪૦ ઓવરમાં ૪૧૧ રન બનાવવાના હતા, પણ એ ટીમ પાંચ વિકેટે માત્ર ૧૩૩ રન બનાવી શકી હતી. અર્જુન લોટલીકરની કૅપ્ટન્સીમાં રમેલી એસવીઆઇએસની ટીમના વર્ધન પટેલે ૬ વિકેટ લેતાં હરીફ ટીમ લક્ષ્યાંકના અડધા ભાગના રન પણ નહોતી બનાવી શકી. ચૅમ્પિયન ટીમના અર્ણવ લાડને આખી ટુર્નામેન્ટમાં ૩૪ વિકેટ લેવા બદલ બેસ્ટ બોલરનો પુરસ્કાર મળ્યો હતો. પ્રથમ દાવમાં એસવીઆઇએસના ૮ વિકેટે ૨૯૩ રન હતા અને આઇઈએસે ૭૨ રન બનાવ્યા હતા. બીજા દાવમાં એસવીઆઇએસના ૮ વિકેટે ૧૮૯ રન હતા. થોડાં જ અઠવાડિયાં પહેલાં એસવીઆઇએસની કાંદિવલી સ્કૂલની ટીમ હૅરિસ શીલ્ડ ટુર્નામેન્ટ જીતી હતી.
દેવાંશ ત્રિવેદી મુંબઈની ટીમમાં
દેવાંશ ત્રિવેદીનો ૨૮ જાન્યુઆરીએ વડોદરામાં શરૂ થનારી અન્ડર-14 વેસ્ટ ઝોન લીગ ૨૦૨૨-’૨૩ માટેની મુંબઈની ટીમમાં સમાવેશ કરાયો છે. આયુષ મકવાણા આ ટીમનો કૅપ્ટન છે.