23 July, 2021 01:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગ્રેગ ચૅપલ
દીપક ચાહરને લઈને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વ્યંકટેશ પ્રસાદે ખુલાસો કર્યો છે. પ્રસાદે કહ્યું કે ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચૅપલે એક વખત ચાહરને રિજેક્ટ કર્યો હતો. ગ્રેગ ચૅપલે રાજસ્થાન ક્રિકેટ ઍકૅડેમીના પોતાના કાર્યકાળ દરમ્યાન તેને કહ્યું હતું કે તું ક્રિકેટ છોડીને બીજું કોઈ કામ શોધી લે. પ્રસાદ એ વખતના સમયની વાત કરી રહ્યો હતો જ્યારે ચૅપલ ભારતીય ક્રિકેટ ટીમના કોચપદેથી રાજીનામું આપ્યા બાદ આઇપીએલના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીએ તેમને રાજસ્થાન ક્રિકેટ ઍકૅડેમીના ડિરેક્ટર બનાવ્યા હતા. પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું હતું કે દીપક ચાહરની ઊંચાઈને કારણે ગ્રેગ ચૅપલે તેને રાજસ્થાન ક્રિકેટ ઍકૅડેમીમાં રિજેક્ટ કર્યો હતો અને બીજું કોઈ કામ શોધી લેવા જણાવ્યું હતું. તેણે પોતાના દમ પર શ્રીલંકા સામેની મૅચ જિતાડી હતી. વળી તે બૅટ્સમૅન પણ નહોતો.’ પ્રસાદે કહ્યું હતું કે જાત પર ભરોસો રાખો અને વિદેશી કોચની વાતને બહુ ગંભીરતાથી ન લો.