12 September, 2024 07:00 PM IST | Mumbai | Viren Chhaya
ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ઍશિઝ ટૅસ્ટ સિરીઝ
ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લૅન્ડ વચ્ચે રમાતી ઍશિઝ ટૅસ્ટ મૅચમાં તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ક્રિકેટ જગતની બે સૌથી શક્તિશાળી ગણાતી બન્ને ટીમો વચ્ચે ઍશિઝ માત્ર એક ક્રિકેટની ટૅસ્ટ મૅચ (GMD Decodes Ashes test) નથી પણ જાણે બે દેશો વચ્ચેનું યુદ્ધ હોય તેવી રીતે થાય છે. બન્ને ટીમના ખેલાડીઓ આ મૅચમાં પોતાનું બેસ્ટ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. જો કે ઍશિઝ આ નામ ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લૅન્ડ વચ્ચે રમાતી ટૅસ્ટ મૅચની સિરીઝને કેમ આપવામાં આવ્યું તેને લઈને મનમાં અનેક પ્રશ્નો હશે. કારણ કે અંગ્રેજી ભાષામાં ઍશિઝનો અર્થ થાય છે રાખ. ક્રિકેટની એક ટૅસ્ટ સિરીઝનું આવું નામ કેમ અને કેવી રીતે પડ્યું તેમ જ અનેક એવા મુદ્દા અંગે રસસ્પદ માહિતી આપવા ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ લઈને આવ્યું છે GMD Decodes (મિડ-ડે ડીકોડ્સ) જ્યાં તમને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને તે અંગેની ચોક્કસ માહિતી મળશે. તો ચાલો આજના પહેલા મિડ-ડે ડીકોડ્સમાં જાણીએ કે ઍશિઝ નામ કેવી રીતે આપવામાં આવ્યું અને આ ટૅસ્ટ મૅચની શરૂઆત ક્યાંથી થઈ?
ટૅસ્ટ ક્રિકેટમાં વર્ષો જૂની રાઇવરલી એટલે ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લૅન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ. વર્ષ 1882માં ઓવલના મેદાન પર ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લૅન્ડ વચ્ચે મૅચ રમાઈ હતી જેમાં ઈંગ્લૅન્ડનો પરાભવ થયો હતો. પોતાના દેશમાં જ ઈંગ્લૅન્ડની ટીમનો પરાભવ થયાની વાતને ત્યાંના ક્રિકેટ ચાહકો અને મીડિયા પચાવી શક્યા નહીં. બ્રિટિશ ન્યૂઝ પેપર ‘ધ સ્પોર્ટિંગ ટાઈમ્સ’ દ્વારા તેમના અખબારમાં ‘ધ ઈંગ્લિશ ક્રિકેટનું અવસાન થયું હતું અને હવે મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે અને રાખ ઑસ્ટ્રેલિયા લઈ જવામાં આવશે" એવું લખી ઈંગ્લૅન્ડ ક્રિકેટની ટીકા કરવામાં આવી હતી. તે બાદ એક વર્ષ પછી ઇંગ્લિશ કૅપ્ટન આઇવો બ્લિંગ ફરી એક વખત ટીમ સાથે ઑસ્ટ્રેલિયા સામે મૅચ રમવા મેદાનમાં ઉતાર્યા અને કહ્યું કે “તેઓ આ રાખ પાછી મેળવશે”. આઇવો બ્લિંગના આ નિવેદન બાદ અંગ્રેજી મીડિયાએ આ ટૅસ્ટ સિરીઝને ઍશિઝ કહેવાનું શરૂ કર્યું હતું.
ઈંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા સામેની આ સિરીઝ જીત્યું અને કૅપ્ટન આઇવો બ્લિંગનાને કળશના આકાર જેવી ટ્રોફી આપવામાં આવી હતી. કાહેવામાં આવે છે કે આ કળશની અંદર સ્ટમ્પની ઉપર રાખવામાં આવતી બેલ્સ (ગિલ્લી)ની રાખ છે અને આ રાખ માત્ર ગિલ્લીની જ નહિ પણ ઑસ્ટ્રેલિયન ક્રિકેટની પણ છે. તે બાદ જે પણ ટીમ ઍશિઝ મૅચ જીતે તેને ટ્રોફીની પ્રતિકૃતિ અપવામાં આવી છે અને ખરી ઍશિઝની ટ્રોફી આજે પણ લોર્ડ્સના એમસીસી મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. દર બે વર્ષે રામતી એશેઝમાં પાંચ ટૅસ્ટ મૅચ હોય છે અને ઑસ્ટ્રેલિયા અથવા ઈંગ્લૅન્ડ શ્રેણીને યજમાન કરે છે. અત્યાર સુધીમાં લગભગ 73 જેટલી ઍશિઝ સિરીઝ રમવામાં આવી છે.