19 January, 2023 01:33 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શેફાલી વર્મા અને નરેન્દ્ર મોદી
સાઉથ આફ્રિકામાં ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપ રમવા ગયેલી ભારતીય ટીમની કૅપ્ટન શેફાલી વર્માએ શનિવાર, ૧૪ જાન્યુઆરીએ યજમાન સાઉથ આફ્રિકા સામેની મૅચમાં બે વિકેટ લીધા પછી જે રીતે બહુમૂલ્ય ૪૫ રન બનાવ્યા એને ધ્યાનમાં લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શેફાલીની ગઈ કાલે ખૂબ પ્રશંસા કરી હતી અને તેના પર્ફોર્મન્સને પથદર્શક ગણાવ્યો હતો.
ઓપનિંગ બૅટર શેફાલીએ ભારતની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરના પહેલા પાંચ બૉલમાં પાંચ ફોર ફટકારી હતી અને છઠ્ઠા બૉલમાં છગ્ગો મારીને ઓવરમાં કુલ ૨૬ રન બનાવ્યા હતા.
એએનઆઇના અહેવાલ મુજબ પીએમ મોદીએ ગઈ કાલે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં આયોજિત સાંસદ ખેલ મહાકુંભ ૨૦૨૨-’૨૩નું વિડિયો કૉન્ફરન્સિંગથી ઉદ્ઘાટન કરતી વખતે સ્પીચમાં કહ્યું, ‘થોડા દિવસ પહેલાં ભારતની અન્ડર-19 કૅપ્ટન શેફાલી વર્માએ એક મૅચમાં કમાલનું પર્ફોર્મ કર્યું. તેણે એક ઓવરમાં પાંચ ફોર અને એક સિક્સર ફટકારી કુલ ૨૬ રન ખડકી દીધા. ખરું કહું તો શેફાલી જેવી ટૅલન્ટ આપણા દેશના ખૂણેખૂણામાંથી મળી શકે.’
આ પણ વાંચો : કૅપ્ટન શેફાલી અને વાઇસ-કૅપ્ટન શ્વેતાની જોડીએ ભારતને જિતાડ્યું
અત્યારે મને ઇંગ્લૅન્ડના લિઆમ લિવિંગસ્ટનની બૅટિંગ સૌથી વધુ ગમે છે અને ભારતીય ક્રિકેટના લેજન્ડ સચિન તેન્ડુલકર સર મારા રોલ મૉડલ છે. મેં તેમની ઘણી મૅચો જોઈ હતી. તેઓ ખૂબ શાંત મગજના છે. શેફાલી વર્મા
અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતે સ્કૉટલૅન્ડને હરાવ્યું
ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપમાં ગઈ કાલે ભારતે સુપર સિક્સ રાઉન્ડ પહેલાં ગ્રુપ ‘ડી’માં મોખરાનું સ્થાન જાળવ્યું હતું. શેફાલી વર્માના સુકાનમાં ભારતે જી. ત્રિશાના ૫૭ રન અને રિચા ઘોષના ૩૩ તથા શ્વેતા સેહરાવતના અણનમ ૩૧ રનની મદદથી ૪ વિકેટે ૧૪૯ રન બનાવ્યા હતા. સ્પિનર મન્નત કશ્યપની ચાર વિકેટ તથા અર્ચના દેવીની ત્રણ અને સોનમ યાદવની બે વિકેટને લીધે સ્કૉટલૅન્ડની ટીમ ૬૬ રનમાં આઉટ થઈ હતી.