28 October, 2024 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ શાસ્ત્રી, ગૌતમ ગંભીર
ઘરઆંગણે ૧૨ વર્ષ બાદ ટેસ્ટ-સિરીઝ હાર્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ-મૅનેજમેન્ટ પર પણ સવાલો ઊઠી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ અને કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ આ વિશે કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડે બન્ને ટેસ્ટ-મૅચમાં ભારતને શાનદાર રીતે હરાવ્યું છે જે વિચારવા જેવી બાબત છે. ગંભીરે હાલમાં જ આ પદ સંભાળ્યું છે. આટલો મોટો ચાહકવર્ગ ધરાવતી ટીમના કોચ બનવું ક્યારેય સરળ નથી. કોચ તરીકેની તેની કરીઅરના હજી શરૂઆતના દિવસો છે, પરંતુ તેઓ ટૂંક સમયમાં શીખી જશે.’
૨૦૧૮માં હેડ કોચની જવાબદારી સંભાળતા સમયે શાસ્ત્રીએ ભારતીય ટીમને બેસ્ટ ટ્રાવેલિંગ ટીમ ગણાવી હતી. એના પર ગૌતમ ગંભીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને હસું આવી રહ્યું છે કે રવિ શાસ્ત્રી ભારતની બહાર વર્લ્ડ સિરીઝમાં ઓડી કાર સિવાય કંઈ જીત્યા નથી એટલે તેઓ જે ટીમને કોચિંગ આપી રહ્યા છે એને બેસ્ટ ગણાવી રહ્યા છે.’ સોશ્યલ મીડિયા પર હાલ ગંભીરના આ જૂના નિવેદનના વિડિયો વાઇરલ થઈ રહ્યા છે.
કાર્તિક અને માંજરેકરે કર્યો ગંભીરનો બચાવ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર દિનેશ કાર્તિક અને સંજય માંજરેકરે સિરીઝ હાર્યા બાદ હેડ કોચ ગંભીરનો બચાવ કર્યો હતો. કાર્તિક માને છે કે ટેસ્ટ-સિરીઝ હારની જવાબદારી સિનિયર ભારતીય ક્રિકેટરે લેવી જોઈએ, જ્યારે માંજરેકર માને છે કે ‘હેડ કોચ મેદાન પર પગ મૂકતો નથી, ત્યાં કૅપ્ટન ચાર્જ સંભાળે છે. વૉશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવો એ શાનદાર નિર્ણય હતો. હાર માટે હેડ કોચને જવાબદાર ગણાવવો અયોગ્ય છે.’