11 July, 2024 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર
અમિત મિશ્રા, ઉન્મુક્ત ચંદ અને નીતિશ રાણા જેવા ઘણા ખેલાડીઓને તૈયાર કરનાર કોચ સંજય ભારદ્વાજે ભારતીય ટીમના નવા કોચ ગૌતમ ગંભીરની ભરપેટ પ્રશંસા કરી હતી. ગૌતમ ગંભીરના બાળપણના કોચ સંજય ભારદ્વાજે કહ્યું હતું કે ‘ગૌતમમાં પોતાના ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાની ક્ષમતા છે. ગૌતી તેના ખેલાડીઓને સારી રીતે જાણે છે. હું માનું છું કે કોચ તરીકે તેની પાસે ભારતને શિખર પર લઈ જવાની ક્ષમતા છે. તે કોઈ પણ પક્ષપાત વિના ઈમાનદારીથી કામ કરી શકે છે. ભારત છેલ્લાં ૧૩ વર્ષથી વન-ડે વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું નથી, પરંતુ હવે આ ટાઇટલ જીતવાની પૂરી આશા છે.’
૨૦૧૯માં દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત થયેલા સંજય ભારદ્વાજે ગૌતમ ગંભીર વિશે વધુ વાત કરતાં કહ્યું હતું કે ‘તે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ક્રિકેટ રમી ચૂક્યો છે. એક વાર તેણે વિરાટને પોતાનો મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપ્યો હતો, જે દર્શાવે છે કે તે દિલથી કેટલો સાચો છે. તેણે મને ઘણા સમય પહેલાં કહ્યું હતું કે રોહિત શર્મા એક દિવસ સ્ટાર ખેલાડી બનશે અને તે સાચો સાબિત થયો. જો ગૌતમને લાગે કે આ ટીમ માટે યોગ્ય છે તો તે પોતાના નિર્ણય પર અડગ રહેશે. ગૌતમ જીતવા માટે રમે છે. તે જાણે છે કે શું કરવું, તેને માત્ર ક્રિકેટ જ સૌથી વધુ ગમે છે.’
ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં થઈ શકે છે આ દિગ્ગજોની એન્ટ્રી
હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે બૅટિંગ-કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ-કોચ પારસ મહામ્બ્રે સહિતના કોચિંગ સ્ટાફનો કાર્યકાળ પણ સમાપ્ત થયો છે. એક અનુમાન અનુસાર નવા હેડ કોચ ગૌતમ ગંભીર ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપને ફરી કોચિંગ સ્ટાફમાં સામેલ કરી શકે છે. કોલકાતા નાઇટ રાઇડર્સમાં તેમના સાથી રહેલા અને રોહિત શર્માના મિત્ર અભિષેક નાયરને બૅટિંગ-કોચની જવાબદારી મળી શકે છે. ભૂતપૂર્વ ભારતીય બોલર વિનય કુમાર, ઝહીર ખાન અને લક્ષ્મીપતિ બાલાજી બોલિંગ-કોચની રેસમાં છે. લખનઉ સુપર જાયન્ટ્સના અસિસ્ટન્ટ કોચ જૉન્ટી ર્હોડ્સનું નામ પણ હાલમાં ફીલ્ડિંગ-કોચ માટે ચર્ચામાં છે. કોચિંગ સ્ટાફ વિશેની સ્પષ્ટતા શ્રીલંકા ટૂર પર જતાં પહેલાં થઈ જશે.