નવા હેડ કોચ ગૌતમ ગંભીરે પાડી હાર્દિક પંડ્યાની વિકેટ- મુંબઈકર સૂર્યકુમાર યાદવ બન્યો ભારતનો T20 કૅપ્ટન

19 July, 2024 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વન-ડે અને T20માં શુભમન ગિલ હશે ભારતનો વાઇસ-કૅપ્ટનઃ હર્ષિત રાણા અને રિયાન પરાગને મળશે વન-ડે ડેબ્યુની તક

સુર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીર

T20 વર્લ્ડ કપ બાદ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કૅપ્ટન રોહિત શર્માનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો હતો, પણ નવા હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ ડેબ્યુ સાથે જ હાર્દિક પંડ્યાને જોરદાર ફટકો પડ્યો છે. કૅપ્ટન તો છોડો, તેણે વાઇસ-કૅપ્ટન પદ પણ ગુમાવવું પડ્યું છે. કોલકાતા નાઇટ રાઇડર્સના પોતાના જૂના સાથી મુંબઈકર સૂર્યકુમાર યાદવને ગૌતમ ગંભીરે શ્રીલંકા ટૂરમાં ભારતનો નવો T20 કૅપ્ટન બનાવી દીધો છે.

૨૦૧૮થી ૨૦૨૧ સુધી કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ રહેલા અને હાલમાં ઝિમ્બાબ્વે સામે સિરીઝ જીતનાર શુભમન ગિલને બન્ને સિરીઝ માટે વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 ઇન્ટરનૅશનલમાં રિટાયરમેન્ટ લેનાર રોહિત શર્મા અને વિરાટ કોહલી વન-ડે સિરીઝ રમતા જોવા મળશે. જસપ્રીત બુમરાહને શ્રીલંકા ટૂરમાંથી આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા અંગત કારણસર માત્ર T20 સિરીઝ રમતો જોવા મળશે.

ઝિમ્બાબ્વે ટૂરમાં ધમાલ મચાવનાર અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડને આ ટૂરમાં સ્થાન મળ્યું નથી. ફ્લાઇંગ કિસ સેલિબ્રેશન માટે જાણીતા કોલકાતા નાઇટ રાઇડર્સના બોલર હર્ષિત રાણા અને રાજસ્થાન રૉયલ્સના બૅટર રિયાન પરાગ શ્રીલંકા ટૂરમાં વન-ડે ડેબ્યુ કરતા જોવા મળી શકે છે. શિવમ દુબે, શ્રેયસ ઐયર અને કે.એલ. રાહુલ વન-ડે ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યા છે. પોતાની અંતિમ વન-ડેમાં સાઉથ આફ્રિકા સામે સેન્ચુરી ફટકાનાર સંજુ સૅમસનને T20 ટીમમાં જ સ્થાન મળ્યું છે.

T20 ટીમ:  સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), યશસ્વી જાયસવાલ, રિન્કુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ, મોહમ્મદ સિરાજ.

વન-ડે ટીમ:  રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), વિરાટ કોહલી, કે.એલ. રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહમદ, હર્ષિત રાણા.

gautam gambhir suryakumar yadav indian cricket team hardik pandya cricket news sports sports news