ગૌતમ ગંભીરને ઢોંગી કહ્યો KKRના તેના જૂના સાથી મનોજ તિવારીએ

10 January, 2025 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતની હાર બાદ તેણે ભારતીય હેડ કોચ ગૌતમ સામે ગંભીર આરોપ મૂક્યા છે

મનોજ તિવારી, ગૌતમ ગંભીર

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)માં ભૂતકાળમાં ગૌતમ ગંભીર સાથે રમનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી હાલમાં ભારે ચર્ચામાં છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતની હાર બાદ તેણે ભારતીય હેડ કોચ ગૌતમ સામે ગંભીર આરોપ મૂક્યા છે. તે કહે છે કે ‘ગૌતમ ગંભીર ઢોંગી છે. તે જે કહે છે એ કરતો નથી. બોલિંગ કોચ શું કરે છે? હેડ કોચ જે કહેશે એ તે સ્વીકારશે. મૉર્ને મૉર્કેલ લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી આવ્યો હતો. સહાયક કોચ અભિષેક નાયર KKR માં ગંભીર સાથે હતો અને ભારતીય હેડ કોચ જાણે છે કે તે તેની સૂચનાઓ વિરુદ્ધ નહીં જાય.’ 
મનોજ તિવારીએ રોહિત શર્મા સાથે ગૌતમ ગંભીરના મતભેદ હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

KKRમાં પોતાના જૂના દિવસોને યાદ કરતાં મનોજ તિવારીએ કહ્યું હતું કે ‘ગંભીરે એકલા હાથે KKRને ટાઇટલ સુધી પહોંચાડ્યું નહોતું, અમે KKRને ટાઇટલ જિતાડ્યું. દરેક વ્યક્તિએ એક યુનિટ તરીકે પ્રદર્શન કર્યું. જૅક કૅલિસ, સુનીલ નારાયણ અને મેં - અમે બધાએ યોગદાન આપ્યું હતું; પણ શ્રેય કોણે લીધું? ત્યાં એક એવું વાતાવરણ અને નેટવર્ક છે જે તેને બધું શ્રેય લેવાની મંજૂરી આપે છે.’ 
મનોજ તિવારી ભારત માટે ૨૦૦૮થી ૨૦૧૫ વચ્ચે ૧૨ વન-ડે અને ત્રણ T20 મૅચ રમ્યો હતો.

kolkata knight riders gautam gambhir manoj tiwary border gavaskar trophy indian cricket team cricket news sports sports news