18 March, 2025 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજેતા ટીમ ગાલા ગ્લૅડિયેટર્સ
કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના ૫૦ પ્લસ વયના પુરુષો માટેની લેજન્ડ્સ ક્રિકેટ લીગની સીઝન-ત્રણમાં ગાલા ગ્લૅડિયેટર્સ ટીમ ચૅમ્પિયન બની હતી. છેલ્લાં ત્રણ વર્ષથી યોજાતી આ T20 ટુર્નામેન્ટમાં ડિસેમ્બરમાં ૫૦ પ્લસ વયના કુલ ૧૪૫ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યાર IPL સ્ટાઇલમાં ઑક્શન દ્વારા ૮ ટીમ બનાવવામાં આવી હતી. એલિસ યુનાઇટેડ વૉરિયર્સ, ગાલા ગ્લૅડિયેટર્સ, ગાલા રૉક્સ, માસ્ટર બ્લાસ્ટર, સ્વાતિ સુપરકિંગ, ટેબ, ટીઆર્ચ ટાઇટન્સ અને ટ્રાન્સફૉર્મ આ ૮ ટીમ વચ્ચે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લીગ રાઉન્ડ બાદ ગાલા ગ્લૅડિયેટર્સ, ટીઆર્ચ ટાઇટન્સ, એલિસ યુનાઇટેડ વૉરિયર્સ અને ટ્રાન્સફૉર્મ એ ચાર ટીમ સેમી-ફાઇનલમાં પહોંચી હતી. સેમી-ફાઇનલમાં જીત મેળવીને ગાલા ગ્લૅડિયેટર્સ અને ટીઆર્ચ ટાઇટન્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બુધવાર, ૧૨ માર્ચે માટુંગાના ખાલસા કૉલેજ ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઇનલમાં ગાલા ગ્લૅડિયેટર્સ ટીઆર્ચ ટાઇટન્સ ટીમને ૩૨ રનથી હરાવીને ચૅમ્પિયન બની હતી. ગ્લૅડિયેટર્સે આપેલા ૧૫૧ રનના ટાર્ગેટ સામે ટીઆર્ચ ટાઇટન્સ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૧૮ રન જ બનાવી શકી હતી. ફાઇનલ મૅચને ગ્રાઉન્ડ અને યુટ્યુબ પર કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના હજારો લોકોએ માણી હતી.