મહિલા T20 વર્લ્ડ કપ 2024 પહેલાં ચાર ભારતીય મહિલા ક્રિકેટર્સ થઈ ઇન્જર્ડ

23 September, 2024 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હરમનપ્રીત કૌરની ટીમની ચાર સ્ટાર ખેલાડીઓ ઈજાનો સામનો કરી રહી છે

ડાબેથી શ્રેયંકા પાટીલ, જેમિમા રૉડ્રિગ્ઝ, પૂજા વસ્ત્રાકર અને અરુંધતી રેડ્ડી.

UAEમાં ત્રીજી ઑક્ટોબરથી મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. એમાં પહેલી વાર ચૅમ્પિયન બનવાનું સપનું જોઈ રહેલી ભારતીય મહિલા ટીમ સામે મોટી આફત આવી છે. બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં કૅમ્પ લગાવીને જોરશોરથી તૈયારી કરી રહેલી હરમનપ્રીત કૌરની ટીમની ચાર સ્ટાર ખેલાડીઓ ઈજાનો સામનો કરી રહી છે. સ્પિનર ​​શ્રેયંકા પાટીલ અને મિડલ-ઑર્ડર પ્લેયર જેમિમા રૉડ્રિગ્ઝને આંગળીમાં ઈજા થઈ છે, જ્યારે પેસ આક્રમણની બે મુખ્ય બોલર પૂજા વસ્ત્રાકર અને અરુંધતી રેડ્ડીને ખભાની ઈજા થઈ છે.

ભારતીય ફૅન્સ આશા રાખી રહ્યા છે કે આ ચારેય સ્ટાર ખેલાડીઓ ઈજામાંથી સ્વસ્થ થઈને મહિલા T20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવશે. ૨૮ સપ્ટેમ્બરથી વૉર્મ-અપ મૅચ શરૂ થશે જેમાં ભારતીય ટીમ ૨૯ સપ્ટેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ અને પહેલી ઑક્ટોબરે સાઉથ આફ્રિકા સામે વૉર્મ-અપ મૅચ રમશે. અહેવાલો અનુસાર ૨૪ સપ્ટેમ્બરે ભારતીય મહિલા ટીમ UAE માટે રવાના થઈ શકે છે. 

womens world cup indian womens cricket team sports news sports cricket news harmanpreet kaur