11 June, 2024 08:06 AM IST | Mumbai | Gaurav Sarkar
કૅપ્ટન બાબર આઝમની ટીમ
T20 વર્લ્ડ કપ 2024માં ભારત સામે જીતવાની બાજી હારેલા કૅપ્ટન બાબર આઝમની ટીમ પર પાકિસ્તાની ફૅન્સ સહિત ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર્સ તૂટી પડ્યા હતા. પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન સલીમ મલિકે ઇમાદ વસીમ પર ભારત વિરુદ્ધ T20 વર્લ્ડ કપની મૅચમાં જાણીજોઈને બૉલનો બગાડ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સલીમ મલિકે કહ્યું હતું કે ‘વસીમે ૨૩ બૉલમાં ૧૫ રન બનાવ્યા હતા. એવું લાગ્યું કે રન બનાવવાને બદલે તે બૉલનો બગાડ કરી રહ્યો હતો અને ટાર્ગેટનો પીછો કરતી વખતે વસ્તુઓને મુશ્કેલ બનાવી રહ્યો હતો.’
ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે ‘એક કૅપ્ટન બધાને સાથે લઈ જાય છે. તે કાં તો ટીમને બરબાદ કરે છે અથવા એને વધુ સારી બનાવે છે. વર્લ્ડ કપ ખતમ થવા દો અને પછી હું ખૂલીને વાત કરીશ.’
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનની આકરી ટીકા કરતાં કહ્યું કે ‘આખો દેશ નિરાશ છે. કોઈક રીતે તમારે જીતવાનો ઇરાદો બતાવવો પડશે. શું પાકિસ્તાન સુપર-એઇટમાં સ્થાન મેળવવાને લાયક નથી? ભગવાન જાણે!’
T20 વર્લ્ડ કપ બાદ પાકિસ્તાન ક્રિકેટમાં પરિવર્તનનાં એંધાણ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ભારત સામે T20 વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે ‘મને લાગતું હતું કે મૅચ જીતવા માટે ટીમમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે, પરંતુ હવે લાગે છે કે ટીમમાં મોટા પરિવર્તન કરવા પડશે. અમેરિકા બાદ હવે ભારત સામે મૅચ હારવી ખૂબ જ નિરાશાજનક છે. આપણે હવે એવા ખેલાડીઓ પર નજર રાખવી પડશે જે અત્યારે ટીમમાં નથી.’ PCBના અધ્યક્ષના આ નિવેદન બાદ T20 વર્લ્ડ કપ બાદ ફરી પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફાર થાય એવી શક્યતા છે.