28 September, 2024 06:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માર્ટિન ગપ્ટિલ
ઑક્ટોબર-નવેમ્બરમાં બૅન્ગલોર, પુણે અને મુંબઈમાં ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા આવશે ન્યુ ઝીલૅન્ડ
શ્રીલંકામાં બે મૅચની ટેસ્ટ-સિરીઝ રમી રહેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ ૧૬ ઑક્ટોબરથી પાંચમી નવેમ્બર વચ્ચે ભારતમાં ત્રણ ટેસ્ટ રમવા ઊતરશે. આ સિરીઝની મૅચ અનુક્રમે બૅન્ગલોર, પુણે અને મુંબઈમાં રમાશે. પહેલી નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમની અંતિમ ટેસ્ટ-મૅચ રમાશે. આ ટેસ્ટ-સિરીઝને લઈને ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ઓપનર માર્ટિન ગપ્ટિલે પોતાની ટીમના હાલના પ્લેયર્સને એક ચેતવણી આપી છે. ૩૭ વર્ષના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે ‘ભારતની સૌથી મુશ્કેલ બાબત એ છે કે અહીં બૉલના સ્પિનનું અનુમાન લગાડવું મુશ્કેલ છે. ક્યારેક બૉલ જરૂર કરતાં વધુ વળે છે અને ક્યારેક સીધો રહે છે. તમે ક્યારેય જાણતા નથી કે કયો બૉલ ટર્ન થવાનો છે અને કયો સીધો જવાનો છે. આવી સ્થિતિમાં તમારે હંમેશાં વિચારતા રહેવું પડશે, તમારે હંમેશાં માનસિક રીતે મજબૂત રહેવું પડશે અને ભારતીય ટીમ ઘરઆંગણે છેલ્લી ૧૭ સિરીઝમાં અજેય રહી છે. ન્યુ ઝીલૅન્ડના ખેલાડી માટે ભારતમાં રમવું મુશ્કેલ છે. ખૂબ ગરમી અને ભેજ સાથે અહીંની પરિસ્થિતિ કિવી બૅટર્સ માટે અનુકૂળ નથી. રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ ખતરનાક બોલર્સ છે.’