07 February, 2023 01:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રવીન્દ્ર જાડેજાની ચાર મહિના પછીના કમબૅકમાં હવે આકરી કસોટી થશે. અને રવિ શાસ્ત્રી
નાગપુરમાં ગુરુવાર ૯ ફેબ્રુઆરીએ નાગપુરમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે અને એ પહેલાંની ભારતીય ટીમના પ્લાનિંગમાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીએ પણ ઝુકાવ્યું છે. તેમણે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત પત્રકાર-પરિષદમાં કહ્યું હતું કે ‘કાંગારૂઓ સામેની આગામી સિરીઝના પહેલા દિવસથી જ બૉલ ટર્ન થવો જોઈએ અને ટીમ ઇન્ડિયાએ હોમ પિચનો ભરપૂર ફાયદો લેવો જોઈએ.’
ચાર મૅચની આ ટેસ્ટ-શ્રેણી બોર્ડર-ગાવસકર ટ્રોફી તરીકે ઓળખાશે. બીજી ટેસ્ટ ૧૭ ફેબ્રુઆરીથી દિલ્હીમાં, ત્રીજી પહેલી માર્ચથી ધરમશાલામાં અને છેલ્લી ૯ માર્ચથી અમદાવાદમાં રમાશે. ત્યાર બાદ બન્ને દેશ વચ્ચે ત્રણ વન-ડે રમાશે જેમાંની ૧૭ માર્ચની પ્રથમ વન-ડે વાનખેડેમાં રમાશે.
શાસ્ત્રીએ એવું પણ કહ્યું કે ‘ભલે ટીમ ઇન્ડિયા ટૉસ હારે તો પણ બૉલ પહેલા દિવસથી ટર્ન થવો જોઈએ એવી પિચ હોવી જોઈએ. ટૂંકમાં આપણી ટીમે પિચનો પુષ્કળ ફાયદો ઉઠાવવો જોઈએ.’
આ પણ વાંચો : કોહલીએ ઑસ્ટ્રેલિયન સ્પિનર્સ સામે અગ્રેસિવ બનવું જોઈશે : ઇરફાન
થોડા દિવસ પહેલાં ઑસ્ટ્રેલિયાના વિકેટ-કીપિંગ લેજન્ડ ઇયાન હિલીએ કહ્યું કે ‘ભારતમાં રમાનારી ચાર ટેસ્ટ માટેની પિચ જો અવ્યવહારુ નહીં હોય તો ઑસ્ટ્રેલિયાની ટીમને ફાયદો થશે જ.’
રવિ શાસ્ત્રીએ હિલીનાં મંતવ્યો વિશે ગઈ કાલે ટકોર કરતાં કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયાના પ્લેયર્સ ઘરઆંગણે જે તૈયારી કરીને આવ્યા છે એના આધારે હિલીએ આ નિવેદન આપ્યું છે. તેઓ કંઈ ઘરઆંગણે નથી રમવાના, ભારતમાં રમવા આવ્યા છે. ભારત પોતાની ટીમને ફાયદો થાય એવી રીતે રમવાની શરૂઆત નહીં કરે એવું શા માટે કોઈએ વિચારવું જોઈએ.’
3
ઑસ્ટ્રેલિયા સામે ભારત છેલ્લી સતત આટલી ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. એ શ્રેણી ૨૦૧૭, ૨૦૧૮-’૧૯ અને ૨૦૨૦-’૨૧માં રમાઈ હતી.
મને લાગે છે કે ઑસ્ટ્રેલિયા ભારત સામેની આ ટેસ્ટ-સિરીઝ ૨-૧થી જીતશે. જોકે કાંગારૂઓ માટે એ રિઝલ્ટ મેળવવું ટફ તો બનશે જ. - માહેલા જયવર્દને