16 September, 2022 12:47 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
૨૦૧૨ની સાલમાં મુંબઈની મૉડલ લીના કપૂરે દાવો કર્યો હતો કે અમ્પાયર અસદ રઉફની તેની સાથે રિલેશનશિપ હતી. લીનાએ પછીથી આક્ષેપ કર્યો હતો કે રઉફે લગ્ન કરવાનું ખોટું વચન આપીને તેનું જાતીય શોષણ કર્યું હતું. રઉફે આક્ષેપ નકાર્યો હતો, પરંતુ બીજા જ વર્ષે આઇપીએલના ફિક્સિંગ-કાંડમાં રઉફનું નામ ખૂબ ચગ્યું હતું.
૨૦૦૦થી માંડીને ૨૦૧૩ સુધીનાં ૧૩ વર્ષમાં કુલ ૨૩૧ ઇન્ટરનૅશનલ મૅચમાં અમ્પાયરિંગ કરનાર પાકિસ્તાનના જાણીતા અમ્પાયર અસદ રઉફનું ૬૬ વર્ષની ઉંમરે અવસાન થયું છે. થોડા સમયથી તેઓ હૃદયની બીમારીના શિકાર થયા હતા.
અસદ રઉફે ૨૦૦૦ની સાલમાં પહેલી વાર ટેસ્ટમાં અમ્પાયરિંગ કર્યા બાદ ૨૦૧૩ સુધી કુલ ૬૪ ટેસ્ટ (૪૯ ઑન-ફીલ્ડ અમ્પાયર તરીકે, ૧૫ ટીવી-અમ્પાયર તરીકે), ૧૩૯ વન-ડે અને ૨૮ ટી૨૦ ઇન્ટરનૅશનલમાં અમ્પાયરિંગ કર્યું હતું.
આઇસીસીએ જ કર્યા ‘આઉટ’ ૨૦૦૬માં રઉફને આઇસીસીની એલીટ પૅનલ (ટોચના અમ્પાયરોની પૅનલ)માં સ્થાન મળ્યું હતું. પાકિસ્તાનના જ અલીમ દરની જેમ તેઓ પણ ક્રિકેટ ક્ષેત્રે જાણીતા અમ્પાયર હતા. જોકે ૨૦૧૩માં આઇપીએલમાં જે સ્પૉટ-ફિક્સિંગ કૌભાંડ થયું હતું એમાં મુંબઈ પોલીસે તપાસમાં રઉફને ‘વૉન્ટેડ આરોપી’ તરીકે ઓળખાવ્યા હતા. રઉફ ત્યારે એ આઇપીએલના અંત પહેલાં જ ભારત છોડીને જતા રહ્યા હતા અને પછીથી ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી આઇસીસીએ તેમને હટાવી લીધા હતા અને પછી પોતાની એલીટ પૅનલમાંથી પણ તેમને કાઢી મૂક્યા હતા.
બીસીસીઆઇનો બૅન
રઉફ પોતે નિર્દોષ હોવાનું સતત જણાવતા રહ્યા હતા. ૨૦૧૬માં ભારતીય ક્રિકેટ બોર્ડે ક્રિકેટ સંબંધિત ભ્રષ્ટાચાર તથા ગેરવર્તનના આરોપસર પાંચ વર્ષ માટે રઉફ પર પ્રતિબંધ મૂક્યો હતો.