07 September, 2023 12:25 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર વીરેન્દર સેહવાગ
ટ્વિટર પર એક ચાહકના પ્રશ્નના જવાબમાં કહ્યું કે ‘મને પાર્ટટાઇમ એમપી બનવાની કોઈ ઇચ્છા નથી’
ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર વીરેન્દર સેહવાગે સ્પોર્ટ્સ પર્સનાલિટીઝને રાજકારણમાં આવવા સામે ચેતવતી કેટલીક ટકોર મંગળવારે કરી હતી જે કદાચ તેના ભૂતપૂર્વ ઓપનિંગ પાર્ટનર ગૌતમ ગંભીર માટે પણ હતી એવું કેટલાક નેટ-યુઝર્સનું માનવું છે.
સેહવાગે પૉલિટિક્સમાં હોવું જોઈતું હતું, એવું ટ્વિટર પર એક ચાહકે જણાવ્યું એના પ્રત્યાઘાતમાં વીરુદાદાએ કહ્યું કે ‘મને રાજકારણમાં જરાય રસ નથી. છેલ્લી બે ચૂંટણીમાં બે મોટી પાર્ટીઓએ મારો સંપર્ક કર્યો હતો, પરંતુ મેં રસ નહોતો બતાવ્યો. હું તો કહું છું કે એન્ટરટેઇનર્સ કે સ્પોર્ટ્સપર્સન્સે પૉલિટિક્સમાં આવવું જ ન જોઈએ, કારણ કે એમાં મોટા ભાગના લોકો પોતાના અહમને કારણે અથવા સત્તાની ભૂખને લીધે આવતા હોય છે. ભાગ્યે જ કોઈ રાજનેતા લોકોને સમય આપતા હોય છે. અમુક વ્યક્તિઓ અપવાદ છે, બાકી મોટા ભાગના લોકો ફક્ત પીઆર વર્ક જ કરતા હોય છે. મને તો ક્રિકેટ જ સૌથી પ્રિય છે અને કમેન્ટ્સ આપવી પણ ખૂબ ગમે છે. મને પાર્ટટાઇમ એમપી બનવાની કોઈ ઇચ્છા નથી.’
સેહવાગનો ઓપનિંગ જોડીદાર ગૌતમ ગંભીર બીજેપીનો સંસદસભ્ય છે.