બુમરાહ રન-અપ લંબાવે તો પીઠનો પ્રૉબ્લેમ દૂર કરી શકશે : બ્રેટ લી

15 March, 2023 02:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બુમરાહે તાજેતરમાં ન્યુ ઝીલૅન્ડમાં પીઠમાં સર્જરી કરાવી છે

વિચિત્ર બોલિંગ ઍક્શન ધરાવતા બુમરાહ (ડાબે) વિશે ઉપયોગી મંતવ્ય આપનાર બ્રેટ લી (જમણે)એ ૧૯૯૯થી ૨૦૧૨ સુધીની કરીઅરમાં કુલ ૩૨૨ ઇન્ટરનૅશનલ મૅચોમાં ૭૧૮ વિકેટ લીધી હતી.

કતારના દોહામાં ચાલી રહેલી લેજન્ડ્સ ક્રિકેટ લીગ માસ્ટર્સમાં વર્લ્ડ જાયન્ટ્સ વતી રમતા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ કહ્યું છે કે ‘ભારતના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગની બાબતમાં થોડા ફેરફાર કરવા જોઈએ જેમાં ખાસ કરીને તેણે બોલિંગ રન-અપ વધારવો જોઈએ જેથી તે પોતાની વિશિષ્ટ બોલિંગ-ઍક્શનમાંથી રાબેતા મુજબના પેસ અને પાવરને બહાર લાવી શકે.

બુમરાહે તાજેતરમાં ન્યુ ઝીલૅન્ડમાં પીઠમાં સર્જરી કરાવી છે. તે લગભગ ૬ મહિના નહીં રમી શકે અને ઑક્ટોબરમાં ભારતમાં રમાનારા ઓડીઆઇ વર્લ્ડ કપ સુધીમાં કદાચ ફિટ થઈ શકે. તે ઑગસ્ટમાં બોલિંગની પ્રૅક્ટિસ ફરી શરૂ કરશે.

એક સમયના ઑસ્ટ્રેલિયાના ફાસ્ટેસ્ટ બોલર બ્રેટ લીએ દોહામાં પત્રકારોને બુમરાહ વિશે પુછાતાં કહ્યું કે ‘બુમરાહનો રેકૉર્ડ ઘણો સારો છે, પરંતુ કમનસીબે થોડા સમયથી તે પીઠની ઈજાને કારણે નથી રમી શક્યો. તેના માટે મારી એક જ સલાહ છે કે તેનો રન-અપ ખૂબ ટૂંકો હોવાથી તેણે થોડું દોડ્યા બાદ પેસ અને પાવરને બહાર લાવી દેવા પડે છે. મને લાગે છે કે થોડા સમયમાં બુમરાહ પોતાનો બોલિંગ રન-અપ થોડો લંબાવશે જેથી પીઠ પરનું પ્રેશર ઓછું થઈ શકે.’

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહે ન્યુ ઝીલૅન્ડમાં કરાવી સર્જરી, વર્લ્ડ કપ પહેલાં થઈ જશે ફિટ

170

બુમરાહ છેલ્લે આટલા દિવસ પહેલાં રમ્યો હતો. ત્યારે તેને હૈદરાબાદમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦માં ૫૦ રનમાં એકેય વિકેટ નહોતી મળી.

 ઉમરાન મલિક મારી દૃષ્ટિએ ‘સુપરસ્ટાર ઇન મેકિંગ’ છે. તેની પેસ ઘણી સારી છે અને ઍક્શન પણ સરસ છે. તેના રન-અપમાં મને બહુ સારો અપ્રોચ જોવા મળે છે. તેને વધુ ઇન્ટરનૅશનલ મૅચો મળવી જોઈએ. - બ્રેટ લી

sports sports news indian cricket team cricket news test cricket jasprit bumrah