સેહવાગ કરતાં સચિન સાથે ઓપનિંગ કરવાની મજા આવતી હતી : ગાંગુલી

13 November, 2022 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રેડાઇના વાર્ષિક કૉન્ફરન્સ દરમ્યાન ગાંગુલીએ રૅપિડ ફાયર રાઉન્ડ દરમ્યાન આ વાત કરી હતી

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ શુક્રવારે અબુ ધાબીમાં જણાવ્યું હતું કે વીરેન્દર સેહવાગ કરતાં સચિન તેન્ડુલકર સાથે ઓપનિંગ કરવાની વધારે મજા આવતી. કારણ કે સચિને તેને વધુ સારો ખેલાડી બનાવ્યો હતો. ક્રેડાઇના વાર્ષિક કૉન્ફરન્સ દરમ્યાન ગાંગુલીએ રૅપિડ ફાયર રાઉન્ડ દરમ્યાન આ વાત કરી હતી. અન્ય એક સવાલ પુછાયો હતો કે કઈ જીવંત વ્યક્તિની તમે સૌથી વધુ પ્રશંસા કરો છો? એના જવાબમાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘સચિન. કારણ કે તે અલગ હતો. મેં તેની પાંસળીમાં બૉલ વાગતો જોયો હતો અને એનો અવાજ પણ સાંભળ્યો હતો. તેણે રન પણ કર્યા હતા.

બીજા દિવસે ખબર પડી કે તેની પાંસળીમાં ફ્રૅક્ચર આવ્યું છે. મેં અવાજ સાંભળ્યો ત્યારે મેં તેને પૂછ્યું પણ હતું, પણ ત્યારે તેણે કહ્યું કે બધું ઠીક છે.’

ઑસ્ટ્રેલિયા કે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ પૈકી કઈ વધુ પડકારજનક હતી? એના જવાબમાં ગાંગુલીએ ઑસ્ટ્રેલિયાનું નામ આપ્યું હતું. ૨૦૦૧માં ઘરઆંગણે કલકત્તા ટેસ્ટમાં ભારતની જીત અથવા ૨૦૦૨માં નેટવેસ્ટ કપની ફાઇનલમાં લૉર્ડ્સમાં ભારતની જીત પૈકી કઈ જીત વધારે પસંદ છે? એના જવાબમાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘૨૦૦૧ની ઘરઆંગણાની જીત. જેનાથી આખી ટીમ બદલાઈ ગઈ હતી.’ સૌથી અઘરા બોલર તરીકે ગાંગુલીએ મુરલીધરનને ગણાવ્યો હતો. 

sports sports news cricket news india sourav ganguly