વીજળીના ગડગડાટ વચ્ચે કિવીઓ પર બ્રિટિશરોનું વર્ચસ

17 February, 2023 12:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લૅન્ડ ૩૨૫/૯ ડિક્લેર્ડ પછી ન્યુ ઝીલૅન્ડ ૩૭/૩

ગઈ કાલે એક બાઉન્સરમાં બચવાની કોશિશ કરી રહેલો ઇંગ્લૅન્ડનો હૅરી બ્રુક. તે ૮૯ રનના સ્કોર પર ક્લીન બોલ્ડ થયો હતો. તસવીર એ.એફ.પી. અને ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકિટે ૧૪ ફોરની મદદથી ૮૪ રન બનાવ્યા હતા અને ઑલી પોપ સાથે ૯૯ રનની ભાગીદારી કરી હતી.

ન્યુ ઝીલૅન્ડના માઉન્ટ મૉન્ગનુઇ શહેરમાં ગઈ કાલે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ-મૅચ દરમ્યાન શરૂઆતથી આકાશમાં વાદળો છવાયેલાં હતાં, ખૂબ પવન હતો અને વારંવાર વીજળીના ગડગડાટ થતા હતા અને એવી પરિસ્થિતિમાં ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. સ્ટોક્સની બ્રિટિશ ટીમે ૯ વિકેટે ૩૨૫ રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો અને પછી કિવીઓની ૩૭ રનમાં ત્રણ વિકેટ લઈ લીધી હતી. સાઉધીની ટીમે ફૉલો-ઑનથી બચવા હજી ૮૯ રન બનાવવાના બાકી છે.

ડકિટ, બ્રુકની આક્રમક ઇનિંગ્સ

ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકિટ (૮૪ રન, ૬૮ બૉલ, ૧૪ ફોર) અને આઇપીએલની આગામી સીઝન માટે સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૩.૨૫ કરોડ રૂપિયામાં ખરીદેલા હૅરી બ્રુક (૮૯ રન, ૮૧ બૉલ, ૧ સિક્સર, ૧૫ ફોર)ની અગ્રેસિવ ઇનિંગ્સની મદદથી જ ઇંગ્લૅન્ડ ૩૦૦-પ્લસનો સ્કોર નોંધાવી શક્યું હતું.  બીજી સદી તો ચૂકી જ ગયો હતો અને તેણે ઇંગ્લૅન્ડ વતી ૭૬ બૉલમાં ટેસ્ટ-સદી ફટકારનાર ગિલ્બર્ટ જેસપનો ૧૨૧ વર્ષ જૂનો બ્રિટિશ રેકૉર્ડ તોડવાનો મોકો પણ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો: Prithvi Shaw:ક્રિકેટરે બીજી વાર સેલ્ફી લેવાની પાડી ના, લોકોએ કર્યો કારનો પીછો...

સ્ટોક્સને ચેન્નઈ સુપર કિંગ્સે આગામી આઇપીએલની સીઝન માટે ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ગઈ કાલે તે ફક્ત ૧૯ રન બનાવીને કૅચ આપી બેઠો હતો. તેણે ૫૯મી ઓવરમાં જૅક લીચની નવમી વિકેટ પડતાં પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. કિવીઓ વતી નીલ વૅગ્નરે ચાર વિકેટ તેમ જ ટિમ સાઉધીએ અને સ્કૉટ કુગલેઇને બે-બે વિકેટ લીધી હતી.

ત્રણમાંથી બે વિકેટ ઍન્ડરસને લીધી

બેન સ્ટોક્સના વહેલા અને અણધાર્યા ડેક્લેરેશનનો નિર્ણય તેના બોલર્સે યોગ્ય સાબિત કર્યો હતો. કિવીઓની યજમાન ટીમે ૧૦મા રને પ્રથમ, ૨૩મા રને બીજી અને ૩૧મા રને ત્રીજી વિકેટ ગુમાવી હતી. ટૉમ લેથમ (૧)ને ઑલી રૉબિન્સને આઉટ કર્યો હતો, જ્યારે કેન વિલિયમસન (૬) તથા હેન્રી નિકોલ્સ (૪)ની વિકેટ જેમ્સ ઍન્ડરસને લીધી હતી. ડેવોન કૉન્વે ૧૭ રને અને નાઇટ વૉચમૅન નિલ વૅગ્નર ૪ રને રમી રહ્યા હતા.

2
ટેસ્ટના ઇતિહાસમાં ગઈ કાલે આટલામા નંબરનું સૌથી ઝડપી ડેક્લેરેશન નોંધાયું હતું. ઇંગ્લૅન્ડે ફક્ત ૫૮.૨ ઓવરમાં પ્રથમ દાવ ડિક્લેર કરી દીધો હતો.

12
ગઈ કાલે ટેસ્ટના પહેલા દિવસે કુલ આટલી વિકેટ પડી હતી.

sports sports news cricket news test cricket new zealand england