29 September, 2024 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૅરી બ્રુક
૨૭ સપ્ટેમ્બરે લંડનના લૉર્ડ્સ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સિરીઝની ચોથી મૅચ રમાઈ હતી. વરસાદને કારણે ૩૯-૩૯ ઓવરની થયેલી આ મૅચમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિચલ માર્શે ટૉસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ કરવા આવેલી ઇંગ્લૅન્ડની ટીમે ૩૯ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૧૨ રન બનાવ્યા હતા, પરંતુ આ લક્ષ્યના જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ૨૪.૪ ઓવરમાં માત્ર ૧૨૬ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી અને એને ૧૮૬ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઇંગ્લૅન્ડ માટે તેમના કૅપ્ટન હૅરી બ્રુકે આ મૅચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. હૅરી બ્રુકે ૮૭ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, જેમાં ૧૧ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. લિયામ લિવિંગસ્ટને ૨૭ બૉલમાં ૬૨ રન બનાવીને ઇનિંગ્સનો અંત આણ્યો હતો. આ દરમ્યાન લિયામ લિવિંગસ્ટને ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તે પચીસ બૉલમાં ફિફ્ટી ફટકારીને લૉર્ડ્સ સ્ટેડિયમમાં ફાસ્ટેસ્ટ વન-ડે ફિફ્ટી ફટકારનારો બૅટર બન્યો હતો. આજે ભારતીય સમય અનુસાર બપોરે ૩.૩૦ વાગ્યાથી બે-બેથી બરાબર થયેલી આ પાંચ મૅચની વન-ડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મૅચ રમાશે.