11 July, 2024 09:19 AM IST | London | Gujarati Mid-day Correspondent
જેમ્સ ઍન્ડરસન
ગઈ કાલે લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર યજમાન ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટની અંતિમ મૅચ રમી રહેલા ૪૧ વર્ષના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને આ મૅચની શરૂઆત પહેલાં કહ્યું હતું કે તે ફક્ત તેની બોલિંગ અને જીતવા પર ધ્યાન આપી રહ્યો છે જેથી તે રડે નહીં. જોકે મૅચ શરૂ થાય એ પહેલાં તેની બન્ને દીકરીઓએ કંઈક એવું કર્યું જેનાથી ઍન્ડરસન ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો.
લૉર્ડ્સમાં મૅચની શરૂઆતની પાંચ મિનિટ પહેલાં બેલ વગાડવાની પરંપરા છે. આ મૅચમાં ઍન્ડરસનની દીકરીઓને આ તક આપવામાં આવી હતી. તેની દીકરી લોલા અને રુબીને જોઈને ઍન્ડરસન ભાવુક થઈ ગયો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૨૧ના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. પોતાની પહેલી ટેસ્ટ રમતા ગસ ઍટકિન્સને સાત વિકેટ ઝડપી હતી અને ઍન્ડરસનને એક વિકેટ લેવામાં સફળતા મળી હતી.