T20 ઇન્ટરનૅશનલમાં એક ટીમ સામે ત્રણ સેન્ચુરી ફટકારનાર પહેલો બૅટર બન્યો ફિલ સૉલ્ટ

11 November, 2024 10:05 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

પહેલી T20 ૮ વિકેટે જીતી પાંચ મૅચની સિરીઝમાં ૦-૧થી લીડ મેળવી ઇંગ્લૅન્ડે

ફિલ સૉલ્ટ

ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની T20 સિરીઝ શરૂ થઈ હતી. પહેલી મૅચમાં ૮ વિકેટે જીત મેળવીને મહેમાન ટીમ ઇંગ્લૅન્ડે સિરીઝમાં લીડ મેળવી લીધી છે. પહેલી બૅટિંગ કરીને વેસ્ટ ઇન્ડીઝે ૯ વિકેટ ગુમાવીને ૧૮૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ઇંગ્લૅન્ડે ૧૬.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.

IPL મેગા ઑક્શન પહેલાં કોલકાતા નાઇટ રાઇડર્સના ભૂતપૂર્વ ઓપનર ફિલ સૉલ્ટે જબરજસ્ટ ઇનિંગ્સ રમીને તમામ ફ્રૅન્ચાઇઝીનું ધ્યાન ખેંચ્યું હતું. ઓપનર ફિલ સૉલ્ટે ૧૯૦.૭૪ના સ્ટ્રાઇક-રેટથી ૧૦૩ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો છે. તે એક ટીમ સામે T20 ઇન્ટરનૅશનલમાં ત્રણ સેન્ચુરી ફટકારનાર દુનિયાનો પહેલો ક્રિકેટર બન્યો છે. આ પહેલાં ૨૦૨૩માં તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૬ ડિસેમ્બરે ૧૦૯ રનની અણનમ અને ૧૯ ડિસેમ્બરે ૧૧૯ રનની ઇનિંગ્સ રમી હતી. જાન્યુઆરી ૨૦૨૨માં વેસ્ટ ઇન્ડીઝ સામે જ T20 ડેબ્યુ કરનાર આ પ્લેયરે આ ફૉર્મેટની પોતાની પહેલી ત્રણ સેન્ચુરી આ ટીમ સામે જ નોંધાવી છે.

૨૦૨૪ની ૨૭ જૂને T20 વર્લ્ડ કપમાં ભારત સામે છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા બાદ ઇન્જરીને કારણે બહાર રહેલા જોસ બટલરે (શૂન્ય રન) આ મૅચ સાથે કૅપ્ટન તરીકે વાપસી કરી પણ પહેલા જ બૉલે કૅચઆઉટ થયો હતો. આ સિરીઝની તમામ મૅચ ભારતીય સમય અનુસાર મધરાતે ૧.૩૦ વાગ્યે જ રમાશે. વેસ્ટ ઇન્ડીઝે આ પહેલાં વન-ડે સિરીઝ ૨-૧થી પોતાને નામે કરી લીધી છે.  

ફિલ સૉલ્ટનું પ્રદર્શન 
રન    ૧૦૩
બૉલ    ૫૪
ચોગ્ગા    ૦૯
છગ્ગા    ૦૬
સ્ટ્રાઇક-રેટ    ૧૯૦.૭૪

england west indies t20 t20 world cup IPL 2025 indian premier league jos buttler kolkata knight riders cricket news sports news sports